

- દુનિયામાં નોકરીની છટણી વચ્ચે ભરતીના મોટા સમાચાર
- ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાના કાફલા અને નેટવર્કનું વિસ્તરણ
- શિશિરકાન્ત દાસ એવિએશન કંપનીના નવા સીટીઓ
- એરલાઇન પાસે હાલમાં 1800 થી વધુ પાઇલોટ્સ
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા તેના કાફલા અને નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે અને કેપ્ટન અને ટ્રેનર્સ સહિત 1,000 થી વધુ પાઈલટોની ભરતી કરશે. આ સાથે સૂત્રો પાસેથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે શિશિરકાન્ત દાસ એવિએશન કંપનીના નવા સીટીઓ (ચીફ ટેકનિકલ ઓફિસર) હશે. એરલાઇન પાસે હાલમાં 1,800 થી વધુ પાઇલોટ્સ છે અને તેણે બોઇંગ અને એરબસ સાથે 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.
કંપનીએ ભરતી માટે જાહેરાત બહાર પાડી
એર ઇન્ડિયા દ્વારા એરબસને આપવામાં આવેલા નવીનતમ ઓર્ડરમાં 210 A320/321neo/XLR અને 40 A350-900/1000 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. બોઇંગ ફર્મ ઓર્ડરમાં 190 737-MAX, 20 બોઇંગ 787 અને 10 બોઇંગ 777નો સમાવેશ થાય છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ટાટા ગ્રૂપ દ્વારા હસ્તગત કરાયેલી કંપની દ્વારા ગુરુવારે થયેલી જાહેરાત અનુસાર 1000 થી વધુ પાઇલટ્સની ભરતી કરી રહી છે.
એરલાઇન તેના કાફલામાં 500 એરક્રાફ્ટ ઉમેરશે
ટાટા ગ્રૂપ દ્વારા હસ્તગત કરાયેલી એર ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે A320, B777, B787 અને B737 ધરાવતા અમારા કાફલામાં કેપ્ટન અને પ્રથમ અધિકારીઓ તેમજ પ્રશિક્ષકો માટે ઘણી તકો અને ઝડપી વૃદ્ધિ ઓફર કરી રહ્યા છીએ. તેમજ એર ઈન્ડિયા તેના કાફલામાં 500 એરક્રાફ્ટ ઉમેરવા જઈ રહી છે.
એર ઈન્ડિયા સાથે જોડાનાર દાસ હાલ વિસ્તારામાં કાર્યરત
એર ઈન્ડિયા આ વર્ષના જૂન મહિનાથી શિશિરકાન્ત દાસને ચીફ ટેકનિકલ ઓફિસર (એન્જિનિયરિંગ હેડ) તરીકે નિયુક્ત કરશે. શિશિરકાન્ત દાસ હાલમાં વિસ્તારામાં એન્જિનિયરિંગના વડા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દાસ અરુણ કશ્યપ પાસેથી કાર્યભાર સંભાળશે, જેઓ અન્ય તકો શોધવા માટે એક વર્ષની સેવા પછી એર ઈન્ડિયા છોડી રહ્યા છે. એર ઈન્ડિયામાં વિસ્તારાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવની નિમણૂક પણ બે એરલાઈન્સના વિલીનીકરણ માટે અગ્રદૂત બની શકે છે, જે નિયમનકારી મંજૂરી બાકી છે.