અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

CREDAI સાથે જોડાયેલા અમદાવાદના 100થી વધુ ડેવલોપર્સે ધોલેરા SIRની લીધી મુલાકાત

  • શિવાલિક ગ્રૂપ, એન.જી.ગ્રૂપ અને શિલ્પ ગ્રુપના અગ્રણીઓએ મેળવી વિગતો
  • IAS હરીત શુક્લા અને સિનિયર મેનેજર ભાવીન શાહ સાથે કરી વિકાસને લગતી ચર્ચાઓ
  • ક્રેડાઈ પ્રમુખ તેજસ જોશી સહિતનાઓએ ગીફ્ટ સીટીને નવું રૂપ આપવા માટે અનેક સૂચનો કર્યા

CREDAI અમદાવાદની આગેવાની હેઠળ અમદાવાદના જાણીતા શિવાલિક ગ્રૂપ તથા એન.જી.ગ્રૂપ અને શિલ્પ ગ્રૂપ સહિત લગભગ 100 ડેવલપર્સ ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન)ના ટોચના અધિકારીઓને મળ્યા હતા અને આ આગામી સ્માર્ટ સિટીમાં વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે ટોચના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હરિત શુક્લા અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા અને લેન્ડ અને મ્યુનિસિપલ સર્વિસના સિનિયર મેનેજર ભાવીન શાહએ અમદાવાદ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે બેઠક યોજી હતી. તેઓએ ડેવલોપર્સને ધોલેરા SIRની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. જેનો સ્વીકાર કરી આગેવાનો ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા.

શું કહ્યું મુલાકાત અંગે CREDAI અમદાવાદ પ્રમુખે ?

આ મુલાકાત અંગે CREDAI અમદાવાદ પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું કે, ધોલેરામાં વિકાસની વિશાળ સંભાવના છે કારણ કે અમદાવાદ સાથેની કનેક્ટિવિટી સુધરી રહી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સે સૂચવ્યું છે કે ધોલેરાના વિકાસ માટે ગિફ્ટ સિટીની જેમ વિશેષ પ્રોત્સાહનો અને નીતિઓ જરૂરી છે. વિકાસકર્તાઓના મતે, રાજ્ય સરકારે ધ્યાનમાં લેવું જોઈએ કે કોઈપણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ધોલેરામાં બાંધકામ ખર્ચ વધુ હશે અને તેથી, યોગ્ય નીતિની જરૂર છે.

કેવી નીતિ અંગે CREDAI અમદાવાદએ કર્યું સૂચન ?

અમે સૂચન કર્યું છે કે રાજ્ય સરકારે એવી નીતિ લાવવી જોઈએ જે રાજ્ય સરકાર અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે વિકાસની નવી સ્થિતિ ઊભી કરી શકે. જોશીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં ઝડપી વિકાસ જોવા મળ્યો છે કારણ કે ડેવલપર્સ માટે સ્ટેમ્પ ડ્યુટી નથી અને GSTમાં પણ છૂટ છે. સમગ્ર પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી લેવામાં આવી છે. ધોલેરા SIR માટે પણ આવી જ નીતિ લાવવી જોઈએ. ધોલેરા ખાતે બાંધકામનો ખર્ચ લગભગ 25-35% જેટલો વધારે હશે કારણ કે ત્યાં પાઈલીંગ ફાઉન્ડેશન જરૂરી છે.

હાઇવે પ્રોજેકટ પૂર્ણ થયો વધુ રોકાણ થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે હાઇવે પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ધોલેરા માટે રસ વધશે, અને જો યોગ્ય નીતિ હશે, તો ક્રેડાઈ અમદાવાદના ડેવલપર્સ સમગ્ર ટાઉન પ્લાનિંગ સ્કીમ વિકસાવશે રાજ્ય સરકાર ધોલેરા ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે અને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ મેળવવાનો હેતુ ધરાવે છે. ધોલેરા પ્રદેશમાં છેલ્લા કેટલાક મહિનામાં જમીનના અનેક સોદા થયા છે.

Back to top button