ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના 10થી વધુ મ્યુઝિયમને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તપાસમાં લાગી

  • અગાઉ દિલ્હીની 100થી વધુ શાળાઓ અને ઘણી હોસ્પિટલોને બોંબની ધમકી સંબંધિત ઈમેલ મળ્યા હતા

નવી દિલ્હી, 12 જૂન: રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઈમેલ દ્વારા બોંબની ધમકી આપવામાં આવી છે. આ વખતે એક સાથે 10-15 મ્યુઝિયમને ઇમેલ મોકલવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઇમેલ મંગળવારે અનેક મ્યુઝિયમમાં એક સાથે આવ્યા હતા. જેમાં રેલવે મ્યુઝિયમ પણ સામેલ છે. દિલ્હી પોલીસને આ ઇમેલ્સની માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી.

 

પોલીસ તપાસમાં શું જાણવા મળ્યું?

તપાસ બાદ પોલીસે તેને હોકસ (hoax-અફવા) જાહેર કરી હતી. પોલીસે મ્યુઝિયમમાં બોંબની ધમકીનો કેસ નોંધ્યો છે અને આ ઇમેલ કોણે મોકલ્યા હતા તે શોધવા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ ઇમેલ આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઇમેલ કોણે મોકલ્યા હતા. દિલ્હીની 100થી વધુ શાળાઓ અને ઘણી હોસ્પિટલોને બોંબની ધમકી સંબંધિત ઈમેલ મળ્યા હતા.

13 વર્ષીય છોકરાની ધરપકડ 

મહત્ત્વપૂર્ણ છે કે, 13 વર્ષનો એક છોકરો દિલ્હી એરપોર્ટ પર ઈમેલ મોકલીને ટોરોન્ટો જતી એર કેનેડાની ફ્લાઈટમાં બોંબ હોવાની ખોટી માહિતી આપવા બદલ પકડાયો છે. પોલીસે જણાવ્યું હતું કે, છોકરાએ આ ધમકીભર્યો ઈ-મેલ ‘મજા માટે’ મોકલ્યો હતો, જેથી જાણી શકાય કે, તેઓ તેને પકડી શકશે કે નહીં. પકડાયા બાદ છોકરાને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે, ‘4 જૂને રાત્રે 11.25 વાગ્યે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દિલ્હીથી ટોરોન્ટો જતી ફ્લાઈટ નંબર AC043માં બોંબની ધમકીવાળા ઈ-મેલ અંગે મને એક પીસીઆર કોલ આવ્યો.” તેમણે કહ્યું કે, પ્રાપ્ત માહિતીના આધારે, દિલ્હી એરપોર્ટને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું અને સંકુલમાં સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ડીસીપીએ કહ્યું કે, ‘યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું યોગ્ય રીતે ધોરણ પ્રમાણે પાલન કરવામાં આવ્યું હતું. વિમાનની ઝીણવટભરી શોધખોળ બાદ ખબર પડી કે ધમકીભર્યો ઈ-મેલ નકલી હતો.

આ પણ જુઓ: ‘400 પાર’ના નારાથી થયું નુકસાન: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કેમ આવું કહ્યું? જાણો

Back to top button