સુરતમાં તૈયાર થયેલો રાષ્ટ્રધ્વજ દેશભરમાં લેહરાશે, આ રીતે થઈ રહી છે તૈયારી
15 ઓગસ્ટ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રાજ્યનું આર્થિક પાટનગર એવા સુરતના ટેક્સટાઈલ વેપારીઓને મોટો ઓર્ડર મળ્યો છે. જેના પર હવે ઝડપથી કામ આગળ વધી રહ્યો છે. આ હેઠળ સુરતના કાપડ વેપારીઓને દેશની અલગ અલગ મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા સીએસઆર ફંડ અંતર્ગત સુરત શહેરના ટેક્સટાઈલ વેપારીઓને રૂ. 50 કરોડથી વધારેની કિંમતના 10 કરોડથી વધારે ત્રિરંગાના ઓર્ડર આપવામાં આવ્યા છે.
લાંબા સમયથી મંદી વચ્ચે ક્યાંક ને ક્યાંક અટકી ગયેલા વેપારમાં 15 ઓગસ્ટના કારણે થોડી તેજીની અસર જોવા મળી રહી છે. કેમકે ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ઘર ઓફિસ શાળા ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન કર્યું છે. જેને જોતાં મોટા ઓર્ડર મળી રહ્યા છે.
સુરતના મેન્યુફેક્ચર યુનિટોને ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, દિલ્હી સહિતના વેપારીઓ અને ટ્રેડર્સો દ્વારા પણ ત્રિરંગા બનાવવા માટેના ઓર્ડર આપ્યા છે. 15મી ઓગસ્ટ નજીક હોવાથી શહેરના ટેક્સટાઈલ એકમો દ્વારા રાત-દિવસ મશીન ચલાવીને ત્રિરંગા બનાવવામાં આવી રહ્યા છે. સ્કૂલો, ઓફિસો, કંપનીઓ દ્વારા પણ સુરતના વેપારીઓને ત્રિરંગા બનાવવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે.
સુરતના વેપારીઓને અલગ-અલગ સાઇઝના ઝંડાના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં 20 બાય 36 અને 16 બાય 24 સાઈઝના ત્રિરંગાના ઓર્ડર સૌથી વધુ છે. જેના અંગે અગ્રણી ટેક્સટાઈલ વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું કે, હાલમાં અમને 50 લાખ જેટલાં ત્રિરંગાના ઓર્ડર મળ્યા છે. અને તેના માટે કામ શરૂ થઈ ગયું છે. તેમજ આગામી 15 ઓગસ્ટ પહેલાં તેને ડિસ્પેચ કરવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે.
આ ઉપરાંત સાઉથ ગુજરાત પ્રોસેસિંગ મિલના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા ત્રિરંગા બનાવવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. ખાસ કરીને તેમાં કલર, અશોક ચક્ર વ્યવસ્થિત રીતે પ્રિન્ટ થાય તેનું ધ્યાન રખાય છે. કેન્દ્રની ટીમ સુરત આવી હતી અને વેપારીઓને ઓર્ડર આપ્યા છે. જેના માટે ઝડપથી કામ આગળ ચાલી રહ્યું છે.