ગુજરાતનાં 40થી વધુ તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ, વીજળી પડતા 3 લોકોના મૃત્યુ
- રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો
- મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
- અબડાસામાં 2 ઈંચ અને ભચાઉમાં 1.52 ઈંચ વરસાદ પડયો
ગુજરાતનાં 40થી વધુ તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યમાં વીજળી પડતા 3 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 138 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ લોધિકામાં 4 કલાકમાં 5.20 ઈંચ વરસાદ પડ્યો છે. તથા ગીર સોમનાથનાં વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ તથા બનાસકાંઠાના ભાભરમાં 3.40 ઈંચ વરસાદ આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: 13 વર્ષથી સંપાદિત જમીનનું વળતર ન મળ્યું તો હાઈકોર્ટે કર્યો આ હુકમ
મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રાજ્યનાં 138 તાલુકામાં વરસાદી માહોલ છે. જેમાં 40થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી છે. મંગળવારના રોજ ગુજરાતનાં કુલ 138 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો, જેમા 40થી વધુ તાલુકા એવા હતાં કે જ્યાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. એ સિવાયના તાલુકાઓમાં ઝરમરથી હળવો વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ રાજકોટના લોધીકામાં માત્ર 4 જ કલાકમાં 5.20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ અને બનાસકાંઠાનાં ભાભરમાં 3.40 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જામનગરમાં વિજળી પડતાં 1 મહિલા સહિત કુલ ત્રણ જણના મોત નિપજ્યાં હતાં.
રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો
મંગળવારે બપોરનાં 2 વાગ્યા પછી રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, રાજકોટના લોધીકા તાલુકામાં બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધીના બે કલાકમાં 4 ઈંચ અને કુલ 4 કલાકમાં 5.20 ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય ધોરાજીમાં 3.20 ઈંચ, જામકંડોરણામાં 2.20 ઈંચ, ગોંડલમાં 1.64 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં 4 ઈંચ, તાલાલામાં 1.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠીમાં 3.48 ઈંચ, બગસરામાં 2.76 ઈંચ, જુનાગઢનાં વિસાવદરમાં 2.12, મેંદરડામાં 2.10 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનાં ભાભરમાં 2 કલાકમાં 3.40 ઈંચ, પાટણના રાધનપુરમાં 1.68 ઈંચ તેમજ કચ્છનાં નખત્રણામાં 2.56 ઈંચ, અબડાસામાં 2 ઈંચ અને ભચાઉમાં 1.52 ઈંચ વરસાદ પડયો હતો.