ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

શ્રવણ તીર્થ દર્શન યોજના/ ૧.૫ લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ; જાણો વિગત

Text To Speech
  • યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ ઓફલાઈન નોંધણી કરાવવાની રહેશે
  • યાત્રાળુઓ ગુજરાતના યાત્રાધામોનો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં લાભ લઇ શકશે

HD ન્યુઝ ડેસ્ક :   ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ મે ૨૦૧૭ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં ૧.૫ લાખથી વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે, જે માટે રાજ્ય સરકારે અંદાજે રૂ.૧,૧૨૮ લાખથી વધુનો ખર્ચ કર્યો છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ, આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ એમ ૭૨ કલાક અથવા ૨,૦૦૦ કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા ૨૭ યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની નોન એ.સી. સુપરબસ, એસ.ટી.ની નોન એ.સી મીની બસ, એસ.ટી.ની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની ૭૫ ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં ૨૭ થી ૩૫ યાત્રાળુઓ સુધી મીની બસનું તથા ૩૬ થી ૫૬ યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.
વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ.૫૦/- અને રહેવાના રૂ.૫૦/- એમ કુલ રૂ.૧૦૦/- અને વધુમાં વધુ રૂ.૩૦૦/-ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના બે માસમાં આધાર-પૂરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘બુલેટ દા’ તરીકે ઓળખાતા ભાજપ નેતાની દયનિય હાલત, ભીખ માગતા દેખાયા

Back to top button