મોરબી : વાંકાનેરના MLA ને 2012 ના એટ્રોસિટી કેસમાં નિર્દોષ જાહેર કરાયા


મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની સામે વર્ષ 2012માં એટ્રોસિટીની ફરિયાદ જે તે સમયના વાંકાનેરના ટીડીઓ દ્વારા નોંધાવવામાં આવી હતી. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્યના વકીલ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો, દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે વાંકાનેરના ધારાસભ્ય સહિતના પાંચે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
આ પણ વાંચો : રાજકોટ : પીએમના કાર્યક્રમ સંદર્ભે રસ્તાઓ અને પાર્કિંગ અંગે બહાર પડાયું જાહેરનામું
શું હતો કેસ ?
જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2012માં ઓગસ્ટ મહિનાની 27 મી તારીખે વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાણીનો પ્રશ્ન હોવાથી તે ગામના સરપંચની આગેવાનીમાં ત્યાંના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય સહિતના લોકો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પાણીના પ્રશ્ન રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તારીખ 2/9/2012 ના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયના વાંકાનેર તાલુકા પંચાયતના તે સમયના ટીડીઓ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, તિથવા ગામના સરપંચ મોહમ્મદભાઈ શેખ, તીથવા ગ્રામ પંચાયતના સભ્ય જલાલભાઈ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિત પાંચ વ્યક્તિઓની સામે એટ્રોસિટી અને ઓફિસમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્ય સહિત પાંચેય આરોપીઓના વકીલ અનિલભાઈ દેસાઈ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ધારાસભ્ય સહિતના પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગર : રાજ્ય સરકાર 823 વનરક્ષકની કરશે ભરતી