કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટના : SIT નો રિપોર્ટ રજૂ, 135 લોકોના મૃત્યુને ગણાવી હત્યા

  • સરકારે નીમેલી એસઆઇટી દ્વારા પાંચ હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરાયો
  • બ્રિજના સંચાલનથી લઇને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો ગણાવ્યા જવાબદાર
  • કેસની ફરિયાદમાં 302ની કલમ ઉમેરવા ભલામણ

મોરબીમાં ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ ઝુલતો બ્રિજ તુટવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો મૃત્યુ નીપજ્યાં હતા. આ કેસમાં રાજ્ય સરકારે નીમેલી એસઆઇટીની ટીમ દ્વારા 5 હજાર પાનાનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં આ હોનારત માટે ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર હોવાનું અને આ અકસ્માત નહીં 135 લોકોની હત્યા છે તેવો ખુલાસો કરાયો છે. સાથે જ આરોપી સામે 302ની કલમ લગાવવા ભલામણ કરવામાં આવી છે. આ વિશે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

આ પણ વાંચો નિરાશ ન થશો, 2000ની ચલણી નોટ RBI હજુ સ્વીકારે છે

હત્યાની કલમનો ઉમેરો કરવાની ભલામણ

મળતી માહિતી મુજબ, મોરબીમાં ગયા વર્ષે થયેલી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં રાજ્ય સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટી દ્વારા આજે હાઇકોર્ટમાં 5 હજાર પેજનો તપાસ રિપોર્ટ રજૂ કરાયો છે. રિપોર્ટ અનુસાર મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપની જવાબદાર છે. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. એસઆઇટીના રિપોર્ટમાં જણાવાયું છે કે આ કોઈ અકસ્માત નહોતો પરંતુ મર્ડર છે અને આરોપીઓ સામે આઈપીસીના સેક્શન 302 લગાવવી જોઈએ.

આ પણ વાંચો ENG vs BAN: વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની જીત, બાંગ્લાદેશને 137 રનથી હરાવ્યું

ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ મુખ્ય આરોપી

ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ આ કેસમાં મુખ્ય આરોપી છે અને હાલમાં જેલમાં છે. એસઆઈટીના રિપોર્ટના કારણે જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. એસઆઇટીના રિપોર્ટમાં દિનેશ દવે અને દીપક પારેખ સહિતના મેનેજર્સના નામ પણ આપવામાં આવ્યા છે. મોરબીનો ઝૂલતો બ્રિજ રિપેર કર્યા પછી તે ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં ? તેનું કોઈ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું ન હતું. ઓરેવા કંપનીએ બ્રિજનું સમારકામ કરીને તેનું સીધું ઉદઘાટન કરી દીધું હતું અને આ વિશે મોરબી નગરપાલિકાને જાણ પણ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત બ્રિજ પર કેટલા લોકો જઈ શકે તેનો કોઈ નિયમ પાળવામાં આવતો ન હતો. ટિકિટના વેચાણ પર નિયંત્રણ રખાયું ન હતું. સુરક્ષાની વ્યવસ્થા અથવા કોઈ દુર્ઘટનાના કિસ્સામાં લોકોને મદદરૂપ બની શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. મોરબીના વિખ્યાત ઓરેવા ગ્રૂપ દ્વારા આ બ્રિજનું સમારકામ તથા સંચાલન કરવામાં આવતું હતું અને આ દુર્ઘટના માટે આ કંપનીની બેદરકારી જવાબદાર ગણવામાં આવી છે.

Back to top button