મોરબી દુર્ઘટના – રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને સિવિલ હોસ્પિટલનું થયુ : કોંગ્રેસ નેતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવાના બદલેવડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ વસ્ત્રોમાં સુસજ્જ થઈને નિર્ધારીત કાર્યક્રમો ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરી રહ્યાં છે. જે દિવસે દુર્ઘટના થઈ તેના બીજા દિવસે રાજકીય શોક જાહેર કરવાના બદલે પોતાની ઈવેન્ટ સુખરૂપ પતી જાય પછી મોરબીની મુલાકાત થઈ જાય અને ત્યારબાદ ત્રીજા દિવસે શોક જાહેર કરવો એ એક મોતના મલાજાનું અપમાન છે.
ભાજપ હંમેશા આફતને અવસરમાં પલટવા માટે ગતકડાઓ કરે છે
નરેન્દ્ર મોદી જ્યારે મોરબી આવવાના હતા તેના આગલા દિવસે આપણે બધાએ જોયુ કે સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરાવવામાં આવે છે. ટાઈલ્સ નવા લગાવવામાં આવે છે. જાણે કોઈ ઉત્સવનું વાતાવરણ હોય તેવી રીતે વડાપ્રધાનની મુલાકાતને ઈવેન્ટ તરીકે મેનેજ કરવામાં આવે છે. ભાજપ હંમેશા આફતને અવસરમાં પલટવા માટે આવા પ્રકારના ગતકડાઓ કરતી હોય છે. ભૂતકાળમાં તક્ષશીલા અગ્નીકાંડ, બોટાદ લઠ્ઠાકાંડ, અમદાવાદ રાઈડ તુટવાનો બનાવ, સુરત સચિન ગેસ લીકેજના બનાવો કે અન્ય દુર્ઘટનાઓમાં બનેલી એસ.આઈ.ટી.ના રીપોર્ટ આવ્યા નથી અને આવ્યા હોય તો ભીનુ સંકેલાયુ છે. પ્રજાને અત્યારે જુના અનુભવોથી ભાજપના મળતિયાઓની બનેલી એસ.આઈ.ટી. ઉપર સહેજ પણ વિશ્વાસ નથી. જો હકિકતમાં સરકાર આ બાબતે ગંભીર હોય તો વિરોધપક્ષને વિશ્વાસમાં લઈને એસ.આઈ.ટી.ની રચના કરે. મોરબી દુર્ઘટનાની નામ વિનાની પોલીસ ફરિયાદમાં શા માટે મોટા માથાઓને ઉમેરવામાં નથી આવ્યા અને પકડવામાં નથી આવ્યા શું તેનું કારણ તેમના ભાજપના મંત્રી સાથેના સંબંધો કારણભૂત નથીને ?
આ પણ વાંચો: મોરબીમાં ભાજપના 24 વર્ષ દાવ પર! આ રીતે રાજકીય પરિસ્થિતિ બદલાશે
ઝુલતો પુલ ભાજપે જ બનાવ્યો હોય તેવો પ્રચાર થયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા યુથ કોંગ્રેસની યાત્રા મોરબીમાં નિકળી હતી ત્યારે મોરબીમાં ઠેરઠેર ભાજપના નેતાઓએ પોતાના શ્રેય લેતા ઝુલતા પુલના હોર્ડીંગ્સ – બેનરો લગાવ્યા હતા જાણે કે ઝુલતો પુલ ભાજપે જ બનાવ્યો હોય, જો આ પ્રમાણે પુલ બનાવેલ ન હોય અને માત્ર ભ્રષ્ટાચારી રીનોવેશન કરેલ હોય છતાં પણ શ્રેય લેવામાં આવે તો પછી શા માટે 150 થી પણ વધારે મોતની નૈતિક જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રી રાજીનામું નથી આપતા? ગઈકાલે જ્યારે 132થી વધારે મૃત્યુ થયેલા હતા છતાં પણ એફ.આઈ.આર.માં 50 મૃત્યુનો આંકડો આપવામાં આવ્યો છે, આથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, નામ વગરની એફ.આઈ.આર. અને ઓછા મૃત્યુ બતાવીને સરકાર પોતાના મળતીયાઓને બચાવવા માંગે છે. જે દિવસે આ દુર્ઘટના બની એજ સમયે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં અને ફટાકડાની આતીશબાજી કરતા હતા તે અત્યંત દુઃખદ બાબત છે.
આ પણ વાંચો: જાણો શું છે ગુજરાતમાં ભાજપનો UCC લાગુ કરવા પાછળનો નવો પ્લાન
નિલજ્જ પ્રકારના રાજકારણનો જવાબ પ્રજા આપવા તત્પર
ગુજરાતની જનતાને આ બધી જ બાબતોનો જવાબ આપવો પડશે. આજે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જે રાહત કાર્યોમાં જોડાયા હતા તેવા કાર્યકર્તાઓની વડાપ્રધાન આવવાના હોવાથી ધરપકડ કરવામાં આવી છે, આવા નિલજ્જ પ્રકારના રાજકારણનો જવાબ પ્રજા આપવા તત્પર છે. રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને રીનોવેશન વડાપ્રધાન આવે છે એટલે સિવિલ હોસ્પિટલનું થઈ રહ્યું છે.