મોરબી દુર્ઘટના : ચાર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે, સરકારની સ્ટેની અરજી પણ રદ્દ


મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાના મામલે પકડાયેલા નવ પૈકીના ચાર આરોપીના રિમાન્ડ ઉપર હતા તેનો સમય પુરો થતા આજે શનિવારે કોર્ટમાં રજુ કર્યા હતા. તે પૈકીના ઓરેવા કંપનીના બે કર્મચારીના વધુ પાંચ દિવસના ફર્ધર રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જોકે આરોપી તરફે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં રાખીને હાલમાં ફર્ધર રિમાન્ડ અરજી રદ થતા સરકાર તરફથી સ્ટેની અરજી મુકવામાં આવેલ જેને પણ રદ કરાયેલ છે. જેથી ચારેય આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
બનાવમાં નોંધાયેલી ફરિયાદ બાદ નવ આરોપીઓની ધરપકડ કરાઈ હતી
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાના મામલે નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસ દ્વારા જે તે સમયે કુલ મળીને નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે નવ આરોપી પૈકીના પાંચ આરોપીને અગાઉ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જોકે, મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સીના બે અને ઓરેવા ગ્રુપના બે કર્મચારીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને આજે શનિવારે રિમાન્ડનો સમય પૂરો થતાં પોલીસ દ્વારા સરકારી વકીલ મારફતે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઓરેવા ગ્રુપના બે કર્મચારીઓના ફર્ધર રીમાન્ડ મંગાયા
ત્યારે મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સીના જે બે આરોપી હતા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી જો કે ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ દવેના વધુ પાંચ દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને તે બાબતે સરકારી વકીલ તેમજ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના ફર્ધર રિમાન્ડ માટેની અરજી રદ કરી હતી. તેમજ સરકારી વકીલ મારફતે તે રિમાન્ડ માટેની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી જમીન અરજીની કાર્યવાહી ઉપર સ્ટેની અરજી કરી હતી જેથી કોર્ટે સ્ટેની અરજીને પણ રદ કરી છે જેથી હાલમાં જે ચાર આરોપીનો રિમાન્ડનો સમય પૂરો થતા તેને કોર્ટે જેલ હવાલે કરેલ છે.