મોરબી દુર્ઘટના : ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, કાલે સુનાવણી
મોરબીમાં ગતવર્ષે બનેલી ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આજે મોરબી સેશન્સ કોર્ટ ખાતે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. જે અરજી અંગે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
એફઆઈઆરમાં નથી જયસુખ પટેલનું નામ
આ મામલે મળતી માહિતી મુજબ, મોરબીમાં બનેલી પૂલ દુર્ઘટનાને લાંબો સમય વીતી ગયો છે. જો કે હાલ આ પ્રકરણ ફરી ચર્ચાએ ચડ્યું છે. આ પુલનું સંચાલન કરતા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હવે પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે. જો કે આ કેસની એફઆઇઆરમાં જયસુખ પટેલનું નામ નથી. પરંતુ તેણે ધરપકડથી બચવા માટે આ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
આવતા દિવસોમાં ચાર્જશીટ રજૂ થવાની શક્યતા
આ પ્રકરણમાં હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેના પગલે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટના સમગ્ર ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે. આ કેસમાં ધરપકડથી બચવા માટે જયસુખ પટેલ કોર્ટના આગોતરા જામીન અરજી દાખલ કરી છે.
નગરપાલિકા સુપરસીડ કરવા નોટીસ અપાઈ
વધુમાં આ પ્રકરણમાં નગરપાલિકાની પણ ભૂમિકા શંકાના દાયરામાં છે ત્યારે તેને સુપરસીડ કરવાની માંગ ઉઠી છે. જો કે નગરપાલિકાના સભ્યો દ્વારા સુપરસીડ ન કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. દરમિયાન બે દિવસ પહેલા રાજ્ય સરકારે નગરપાલિકાને નોટીસ ફટકારી હતી અને જવાબ માંગ્યો છે કે શા માટે ન.પા. સુપરસીડ કરવામાં ન આવે. આવનારા દિવસોમાં આ અંગે પણ કડાકા ભડાકા થવાના એંધાણ છે.