મોરબી ઝુલતો પુલ તુટી જવાના મામલામાં ગુજરાત સરકારે મંગળવારે મોરબી નગરપાલિકાનું વિસર્જન કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયંત્રિત હતી. 30 ઓક્ટોબરના રોજ મોરબી ઝૂલતો પુલ ધરાશાયી થયાના પાંચ મહિના પછી આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જેમાં નાના બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. મોરબી શહેરમાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલની જાળવણી અને સંચાલન ઓરેવા ગ્રુપ દ્વારા નગરપાલિકા સાથેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું.પુલ ધરાશાયી થયા બાદથી મોરબી નગરપાલિકાની ઘણી ટીકા થઈ રહી હતી. જાન્યુઆરીમાં, રાજ્યના શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવીને પૂછ્યું હતું કે નગરપાલિકા ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ તેને શા માટે સુપરસીડ ન કરવી જોઈએ. પુલ તૂટી પડવાની તપાસમાં નગરપાલિકાની ઘણી ક્ષતિઓ પણ પ્રકાશમાં આવી હતી. પુલ તૂટયાના આટલા મહિના બાદ ગુજરાત સરકારે મંગળવારે મોરબી નગરપાલિકાનું વિસર્જન કરી દીધું છે. ઝૂલતા પુલની જાળવણી અને સંચાલન ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.