મોરબી નગરપાલિકા સુપરસીડ ન કરવી જોઈએ, જાણો કોણે કરી આ રજૂઆત
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે મોરબી પાલિકા સુપરસીડ થાય તેવી સ્થિતિ છે તેવામાં મોરબી પાલિકાના ચૂંટાયેલા 52 પૈકી 46 જેટલા સભ્યોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે જેમાં મોરબી પાલિકાને સુપરસીડ ન કરવાની માંગ કરી છે.
શું રજૂઆત કરી છે સભ્યોએ ?
મોરબી પાલિકાના 46 સભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલ તુટી જવાની ઘટનામાં તેઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય પણ સંડોવણી નથી અને પાલિકા તેમજ ઓરેવા કંપની વચ્ચે થયેલ કરારમાં તેઓની ક્યાંય સહી પણ નથી જેથી કરીને પાલિકાને સુપરસીડ કરતા પહેલા ન્યાયના હિતમાં અને પ્રજાના હીતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરી છે અને આ ઘટનામાં કસુરવાન સામે પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.
કંપની સાથેના કરારમાં ચીફ ઓફિસરની સહી
મોરબી પાલિકાએ ઓરેવા કંપની સાથે જે કરાર કરેલ છે તેમાં પાલિકાના ચીફ ઓફિસરની સહી છે અને ત્યારબાદ જનરલ બોર્ડમાં આ ઠરાવને લેવા માટે જે રોજકામ કરવામાં આવ્યું હતું તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં આવી છે જો કે, આ ઝૂલતા પુલના કરાર બાબતનો ઠરાવ જનરલ બોર્ડમાં લેવામાં આવેલ નથી આ મુદ્દે કોર્ટના આકરા વલણ બાદ સરકાર મોરબી પાલિકાને સુપર સીડ કરવાની તૈયારીમાં છે. ત્યારે પાલિકાના સભ્યોએ સામૂહિક રીતે લેખિતમાં રજૂઆત કરી પાલિકાને સુપરસીડ કરવામાં આવે તેના બદલે કસુરવાન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.