મોરબી : મચ્છુ-3 ડેમ છલોછલ થતા બે દરવાજા 1 ફૂટ ખોલાયા, 20 ગામોને કરાયા અલર્ટ
હાલ રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે મોરબીમાં મચ્છુ-3 ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.
ભારે વરસાદને પગલે મચ્છુ – 3 ડેમ છલકાયો
મળતી માહિતી મુજબ ભારે વરસાદને પગલે મોરબીના સાદુળકા નજીક આવેલ મચ્છુ – 3 ડેમ છલકાઈ ગયો છે. હાલ ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારે મચ્છુ – 3 ડેમ ઓવરફ્લો થતા મોરબી અને માળીયા તાલુકાના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.અને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સુચન આપ્યું છે.
ડેમના બે દરવાજા ખોલાયા
મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવથી સતત પડી રહેલા વરસાદ ને પગલે નવા સાદુળકા નજીક આવેલ મચ્છુ – 3 ડેમમાં 1676 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. તેમજ વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા રુલ લેવલ મેઇન્ટેઇન કરવા હાલમાં ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે.
આ ગામોને કરાયા એલર્ટ
મચ્છુ – 3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી મોરબી તાલુકાના ગોરખીજડિયા, વનાળિયા, સાદુલકા, માનસર, રવાપર નદી, અમરનગર, નારણકા, ગૂંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા મિયાણા, ફતેપર અને હરિપર ગામના લોકોને એલર્ટ કરાયા છે. અને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સિંચાઈ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો : 48 કલાક અત્યંત ભારે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી