મોરબી: સુરક્ષાના હેતુથી નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી
- ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા પ્રશ્ન ઊભા ન થાય તે માટે પ્રતિબંધ મૂકાયો
મોરબી, 23 જાન્યુઆરી: મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલા છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં નથી. આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. આવા ટાપુઓ પર ૨૧ માર્ચ સુધી પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્સ) અને અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ કરવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોઓને અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
આ પણ જુઓ:વડોદરાની દીકરી હેત્વીને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત