ગુજરાત

મોરબી : તબીબ બનવાનું સ્વપ્ન જોતી ‘હિર’એ ગુજરાત બોર્ડમાં મેળવ્યા 99 PR પણ….

રાજકોટ : મોરબીમાં એક દુઃખદ છતાં સમાજ માટે રાહ ચીંધનારી ઘટના બની છે. ધોરણ 10માં અભ્યાસમાં તેજસ્વી એવી હિર ઘેટીયા નામની દીકરીને બ્રેઈન સ્ટોક આવ્યા બાદ મગજનું ઓપરેશન કરાયું હતું જો કે, એક જ મહિનામાં ફરી તબિયત લથડતા ધોરણ 10ના રિઝલ્ટમાં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લઈ લીધી હતી. પરંતુ તેના પિતાએ કઠણ કાળજું કરી લાડકવાયી દીકરીનું દેહદાન કરવા નિર્ણય કરી અન્ય 15 લોકોના જીવનમાં આશાના અજવાળા કર્યા છે.

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો આવતાર…. આ પંક્તિ ખુબ જ પ્રચલિત છે ત્યારે મોરબીના ઘેટીયા પરિવારના પ્રફુલભાઇ માટે દીકરી હિર લક્ષ્મીનો નહીં પણ ઈશ્વરનો અવતાર હોય તેવું સાબિત થયું છે. એક દુઃખદ ઘટનામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આનંદ કિલ્લોલથી રહેતા પ્રફુલભાઇ ઘેટીયાના પરિવાર ઉપર જાણે વજ્રઘાત થયો હોય તેમ ધોરણ-10માં ભણતી વ્હાલસોયી દીકરી હિર અવલ્લ નંબરે પાસ થઇ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતી હતી અને અચાનક જ બ્રેઇનસ્ટોક આવી જતા હિર કોમામાં સરી પડી હતી જે બાદ મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પીટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. પરંતુ ઘરે ગયા પછી તેણે અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલે લઇ આવવા આવ્યા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડોક્ટર દ્વારા મગજના એમઆરઆઈ રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજનો 80 થી 90 ટકા ભાગ કામ કરતો ન હતો. આથી હિરને આઈસીયુમાં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી હતી પરંતુ ડોક્ટર અને સગા વાલાઓની અથાગ મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા દર્દીનું આજરોજ તારીખ 15 મે 2024 ના રોજ અવસાન થયુ હતું. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો. કુમારી હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને ધોરણ 10નું તાજેતરમાં જ પરિણામ જાહેર થતા ૯૯.૭ રેન્કિંગ આવેલું હતું.

હિરના પિતા પ્રફુલભાઇ હાલમાં મોરબીના બેલ ગ્રુપ ઓફ કંપનીમાં જોબ કરતા હોવાનું અને કુમારી હીરનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રફુલભાઇ ઘેટીયાએ જણાવ્યું હતું કે, મારી વ્હાલસોયી દીકરી ગુમાવવાનું મેન કહું જ દુઃખ છે પરંતુ હિરના દેહદાન બાદ હિર એક નહીં અનેક લોકો માટે આશાનું કિરણ બની છે સાથે જ દાનમાં ચક્ષુ મેળવનાર પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ ડોક્ટર બનવાનું કુમારી હીરનું મહત્વકાંક્ષી સ્વપ્ન સાકાર કરે અને દેહદાન થકી મેડીકલના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં સફળતાના શિખરો સર કરે.

Back to top button