મોરબી પુલ દુર્ઘટનાઃ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ, જ્યૂડિશિયલ કમિશન બનાવવાની માગ
નવી દિલ્હી/મોરબીઃ મોરબીમાં થયેલા પુલ દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારને જ્યૂડિશિયલ કમિશન બનાવવાના નિર્દેશ આપવામાં આવે તેવી માગ કરાઈ છે. સાથે જ અરજીમાં દેશની ધરોહર ઈમારતના લોકો માટે સુરક્ષિત હોવાની સમીક્ષાની પણ માગ કરાઈ છે .જેના પર ધ્યાન રાખવા માટે રાજ્યમાં વિશેષ વિભાગ બનાવવાની માગ પણ કરવામાં આવી છે.
આ અરજી વિશાલ તિવારી નામના એક વ્યક્તિએ કરી છે, જે વ્યવસાયે વકીલ પણ છે. મોરબી પુલ દુર્ઘટનાને લઈને અત્યાર સુધીમાં IPCની અલગ અલગ કલમ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે અને 9 લોકોની ધરપકડ થઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાત સરકારે પુલ દુર્ઘટનાને લઈને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત પણ કરી છે.
દુર્ઘટના સમયે વડાપ્રધાન ગુજરાતમાં
રવિવારે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો, આ ગોઝારી ઘટના સમયે વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં જ હતા. આ દુર્ઘટનાને પગલે તેમના અનેક કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના પણ એક સમીક્ષા બેઠક મળી હતી જેની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી હતી. આ બેઠકમાં 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરાઈ છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે તેમજ કોઈ સત્તાવાર કાર્યક્રમ આયોજિત નહીં કરાય.