ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શનની હોય છે મનાઈ, શું છે માન્યતા? જાણો વર્જિત સમય
- ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શન વર્જિત હોય છે, તેની પાછળ શાસ્ત્રોમાં અનેક કારણો જણાવાયા છે. શ્રીકૃષ્ણે પણ ભૂલથી આ ચંદ્રદર્શન કરી લીધા હતા અને તેમને શ્રાપ લાગ્યો હતો તેવી પણ માન્યતા છે.
HD ન્યુઝ ડેસ્કઃ ગણેશ ચતુર્થી આ વર્ષે 7 સપ્ટેમ્બર , શનિવારે છે. ભગવાન શ્રી ગણેશના જન્મદિવસની ઉજવણીને ગણેશોત્સવ અથવા ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્થી તિથિ પર ચંદ્રદર્શન વર્જિત છે. ચતુર્થી તિથિની શરૂઆત અને અંતના આધારે સતત બે દિવસ સુધી ચંદ્રદર્શન વર્જિત હોઈ શકે છે. ખાસ કરીને સંપૂર્ણ ચતુર્થી તિથિના દિવસે ચંદ્રદર્શનની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવાઈ છે.
ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન શા માટે વર્જિત છે ?
એવું માનવામાં આવે છે કે ચંદ્ર જોવાથી ખોટા આરોપ અથવા ખોટા કલંક લાગે છે. આ દિવસે ચંદ્રને જોનારી વ્યક્તિને ચોરીના ખોટા આરોપનો સામનો કરવો પડી શકે છે.
ગણેશ ચતુર્થી પર ચંદ્ર દર્શનના નિષેધ પાછળની કથા
પૌરાણિક કથા અનુસાર, ભગવાન કૃષ્ણ પર સ્યમન્તક નામના અમૂલ્ય રત્નની ચોરી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ખોટા આરોપમાં સામેલ ભગવાન કૃષ્ણની સ્થિતિ જોઈને નારદ ઋષિએ તેમને કહ્યું કે ભગવાન કૃષ્ણએ ભાદરવાની શુક્લ ચતુર્થીના દિવસે ચંદ્રને જોયો હતો, જેના કારણે તેમને ખોટા આરોપનો શ્રાપ મળ્યો હતો.
ભગવાન ગણેશે ચંદ્રને આપ્યો હતો શ્રાપ
ભગવાન ગણેશે ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે જે વ્યક્તિ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થી દરમિયાન ચંદ્રને જોશે તેને શ્રાપ લાગશે. ગણેશજીએ ચંદ્રને શ્રાપ શા માટે આપ્યો હતો તેની પાછળ બે કથા છે. એક તો શિવજીએ પોતાના પુત્ર ગણેશનું જ માથું કાપી નાંખ્યુ હતુ અને પછી તેમને પુર્નજીવિત કરવા માટે ગજનું માથું લગાવવામાં આવ્યું, આ સમયે પોતાની સુંદરતા પર ગર્વ કરીને ચંદ્રદેવ હસ્યા હતા અને તેથી ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. અન્ય એક કથામાં ગણેશજી જ્યારે ઉંદર પર સવાર થઈને ફરવા નીકળ્યા તો તેમના ભારે શરીરના કારણે ચંદ્રદેવે મજાક ઉડાવી હતી. આ કારણથી ગુસ્સે ભરાયેલા ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે જે આજના દિવસે ચંદ્રનું મુખ જોશે તેને શ્રાપ લાગશે. જોકે નારદ ઋષિની સલાહ પર, ભગવાન કૃષ્ણએ ખોટા દોષોથી મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થીનો ઉપવાસ કર્યા અને તેઓ દોષમુક્ત થયા હતા.
ગણેશ ચતુર્થીના દિવસે આ સમયે ન કરો ચંદ્રદર્શન
પંચાંગ અનુસાર 7 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 9:29 થી સાંજના 8:44 સુધી ચંદ્રદર્શનનો સમય વર્જિત છે. આ સમયગાળો 11.15 કલાકનો રહેશે.
આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત અને વિસર્જનની તારીખ પણ જાણો