- અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા વરસાદ પડ્યો
- રાજ્યમાં સરેરાશ 4 ઇંચ કરતા વધુ વરસાદ
- રાજ્યના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઇ છે. જેમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 13.45 ટકા વરસાદ પડ્યો છે. તેમજ રાજ્યમાં સરેરાશ 4 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. તથા રાજ્યના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા જ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ
છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 154 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 5 ઇંચ વરસાદ થયો છે. તથા મહેમદાવાદમાં 4.5 ઇંચ, નડીયાદમાં 4.5 ઇંચ વરસાદ સાથે મુંદ્રામાં 4 ઇંચ, મોરબીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા વઢવાણ, વાપી, ધંધુકા, આણંદમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેમાં વીજપડી પંથકમાં ભારે વરસાદથી ખડસલી નજીકનો ચેકડેમ ઓવરફ્લો થયો છે.
અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા વરસાદ પડ્યો
સતત ધોધમાર વરસાદથી ખડસલીની જામવાલી નદીમાં પૂર આવ્યું અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે .જેમાં ખાંભાના ચકરાવા, બોરાળા, ભાણીયા, બાબરપરા સહિત ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, થોરડી, મિતિયાળા અને કૃષ્ણગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેનાથી જિલ્લામાં સૌથી વધુ હેકટરમાં આગોતરું વાવતેર કરનાર સાવરકુંડલા પંથકના ખેડૂતોમાં આ વરસાદથી હરખ જોવા મળ્યો હતો.
રાજ્યમાં સરેરાશ 4 ઇંચ કરતા વધુ વરસાદ
બગસરાના ખારી ગામે પણ સતત વરસાદથી નદીઓ જાણે ગાંડીતૂર બનીને વહેવા લાગી છે. ફુલઝર નદી પરનો ચેકડેમ છલકાઈ ગયો છે. શરૂઆતના વરસાદમાં જ ચેકડેમ છલકાઈ જતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ વરસાદ વરસ્યો છે. બે દિવસ સતત બફારા વચ્ચે મોડી સાંજે વરસાદનું આગમન થયું હતું અને રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. રાજકોટ જિલ્લામાં જેતપુર, ગોંડલ અને ધોરાજીમાં પણ વરસાદ પડ્યો છે.