દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય કરતાં વધુ સારૂ રહેશેઃ જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન
- સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા હેઠળ 1 જૂનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું રહેશે: IMDના મહાનિર્દેશક
નવી દિલ્હી, 16 એપ્રિલ: ભારતીય હવામાન વિભાગે (IMD) આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસું રહેવાની આગાહી કરી છે. જેનો મતલબ એમ છે કે આ વખતે ઘણો વરસાદ પડશે. IMDના મહાનિર્દેશક (DG) મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા હેઠળ 1 જૂનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસાનો મૌસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ (લોંગ પીરિયડ એવરેજ…LPA)ના 106 ટકા રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની પ્રબળ સંભાવના છે. પરંતુ IMD ચીફે કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સામાન્ય કરતાં વધુ ચોમાસું થવું એ રાહતરૂપ બનશે કે આફતરૂપ સાબિત થશે?
મૃત્યુંજય મહાપાત્રાના મતે, આ જ રીતે પૂર્વોત્તરી રાજ્યો આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશની આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, પૂર્વી રાજ્યો – ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક ભાગો અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની અપેક્ષા છે. સારું, આ તો વાત થઈ ચોમાસાને લગતી માહિતી વિશે. પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, સામાન્ય કરતાં વધુ ચોમાસું રાહતરૂપ બનશે કે આફત, કારણ કે વરસાદ વધુ પડે કે ઓછો પડે તો પણ અનેક સમસ્યાઓ ઊભી થાય છે.
સારા ચોમાસાથી શું ફાયદો થાય છે?
દેશની GDPમાં કૃષિનો ફાળો 14 ટકા છે. GDPમાં આ ક્ષેત્રનું યોગદાન વધશે. સારા વરસાદથી મોંઘવારી 0.5 ટકા ઘટશે એટલે કે તે RBIના 5.3 ટકા અથવા 4.8 ટકાની આસપાસના અંદાજ કરતાં ઓછું રહેશે. જો ફુગાવો અંકુશમાં રહેશે તો RBIને વ્યાજ દર ઘટાડવાની તક મળશે. ઘરેલું વપરાશ વધશે. તેનાથી ચીન સંબંધિત કંપનીઓને અસર થશે. ચોમાસુ વૈશ્વિક વાતાવરણને અસર કરે છે. વાતાવરણમાં ફેરફાર થતાં ચોમાસામાં પણ ફેરફાર થાય છે.
સામાન્ય કરતાં વધુ ચોમાસાને કારણે નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો થાય છે. ઉત્પાદન સારું રહે છે. તેનાથી વીજળીનું સંકટ ઓછું રહે છે. સારા ચોમાસાથી પાણીની સમસ્યા પણ ઘણી હદે હલ થાય છે. ચોમાસાના વરસાદથી ખેતરો, જળાશયો અને નદીઓ પાણીથી ભરાઈ જાય છે ત્યારે આકરી ગરમીથી ત્રસ્ત દેશને પણ ગરમીથી રાહત મળે છે.
ગેરફાયદા શું થાય છે?
સામાન્ય ચોમાસા કરતાં વધુ ફાયદાઓ છે તો ગેરફાયદા પણ છે. વધુ પડતા ચોમાસાથી રોગોનું જોખમ વધી જાય છે. જેમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગો વધે છે. વાસ્તવમાં, હવામાનમાં ફેરફારને કારણે ભેજ વધે છે. આ જ કારણ છે કે, મચ્છરોને બહાર આવવાનો મોકો મળે છે. અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની કે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ઘણા રાજ્યોમાં પૂર પણ આવે છે. સારું ચોમાસુંએ ખેતી માટે સારું તો છે પરંતુ તેના ગેરફાયદા પણ છે. પાક બરબાદ થાય છે.
આ પણ જુઓ: મેકડોનાલ્ડ્સે જાહેરાતના ક્ષેત્રમાં કર્યું ક્રાંતિકારી ઈનોવેશન, જાણીને તમે પણ કહેશો wow