ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસું સક્રિય થશે, હવામાન વિભાગની આગાહી; આ વર્ષે સારા વરસાદની વકી

Text To Speech

કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું છે ત્યારે હવે ગુજરાતમાં વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે. સાથે જ ગુજરાતમાં 15થી 20 જૂનથી ચોમાસું સક્રિય થશે.  આ સાથે દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

આ વર્ષે રાજ્યમાં સારા વરસાદની વકી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, 1 અને 2 જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યારબાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે
રાજ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત  જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઇ રહી છે જેને પગલે પોરબંદર પંથકના સાગરખેડુ-માછીમારોને દરિયો ન ખેડવા અંગે સબંધિત વિભાગ દ્વારા સૂચન જારી કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે.

10 જૂનથી વરસાદી ઝાપટાં
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.

આણંદની કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે ચોમાસાને લઇને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 જૂનથી ચોમાસું સક્રિય થશે. એમાંય આ વર્ષે ચરોતરમાં ચોમાસું સારુ થશે. કારણ કે, રાજ્યમાં છેલ્લાં 4 વર્ષથી ચરોતરમાં 100% વરસાદ વરસ્યો છે.

Back to top button