ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રઃ સરકાર 11 જેટલા સુધારા વિધેયક બિલ રજૂ કરી શકે
- ગુજરાત સરકાર હાલમાં સુધારા વિધેયક બિલની અંતિમ તૈયારીમાં વ્યસ્ત
- સૌથી વધુ સુધારા વિધેયક બિલ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જોવા મળી રહ્યા છે
- ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરી રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્રીદિવસીય ચોમાસુ સત્ર દરમિયાન સરકાર સુધારા વિધેયક બિલ ગૃહમાં રજૂ કરી શકે છે. ગુજરાત સરકાર હાલમાં સુધારા વિધેયક બિલની અંતિમ તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત સરકાર ત્રિદિવસીય સત્રમાં અંદાજીત 11 જેટલા બિલ ગૃહમાં રજૂ કરી શકે છે. જેમાં સૌથી વધુ સુધારા વિધેયક બિલ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ઉર્જા વિભાગ, આરોગ્ય-શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ સહિત GSTના સુધારા-વધારા બિલની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જોકે, સુત્રોએ એમ પણ જણાવ્યું કે સત્રના 3 કે 4 દિવસ પહેલા આ તમામ બિલ વિધાનસભાના ટેબલ શાખા ખાતે મુકવામાં આવશે અને ત્યારબાદ આ તમામ બિલને ગૃહમાં મુકવાની કવાયત વિધાનસભા દ્વારા હાથ ધરવામાં આવશે.
વિધાનસભા થશે પેપરલેસ
આ વખતે વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. જેને લઈ હાલ તો ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરી રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં આગામી સત્ર 13 થી 15 સપ્ટેમ્બર સુધી મળવાનું છે. જેને લઈ હવે ભાજપે પણ તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા કહ્યું છે. આ સત્રમાં 11 જેટલા બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે: હર્ષ સંઘવી