સંસદના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક સંસદની જૂની ઈમારત ખાતે મળી હતી. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ સર્વપક્ષીય બેઠકમાં તૃણમૂલ સાંસદ સુદીપ બંદોપાધ્યાય, ભાજપના સાંસદ અર્જુન રામ મેઘવાલ અને અપના દળની સાંસદ સુપ્રિયા પટેલ, કોંગ્રેસ સાંસદ મલ્લીકાર્જુન ખડગે સહિત અનેક નેતાએ હાજરી આપી હતી કોંગ્રેસના નેતા મલ્લ્કાર્જુન ખડગેએ જણાવ્યુ કે આ સર્વપક્ષીય બેઠકમાં આશરે 20 મુદ્દાઓ પર વાત થઇ. જેમાંથી 13 મુદ્દાઓ સરકાર સામે રાખવામાં આવ્યા હતા. આ અગાઉ શનિવારે પણ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓમ બિરલાએ તમામ દળોને સૂચન કર્યું હતું કે સદનને શાલીનતા, ગરીમા અને શિસ્ત સાથે સુચારૂ ઢબે ચાલવા દેવામાં આવે.
Delhi | All-party meeting called by the government ahead of the Monsoon session of Parliament, begins in Parliament Annexe building pic.twitter.com/alZr7VaFRv
— ANI (@ANI) July 17, 2022
સત્ર દરમિયાન 18 બેઠકો થશે
આ દરમિયાન તમામ દળોના નેતાઓએ સદનને ગરીમા સાથે ચલાવવામાં સહયોગ કરવાની ખાતરી આપી હતી. જોકે વિપક્ષી દળોએ એવુ પણ જણાવ્યુ કે આ સત્રમાં તેઓ અગ્નિપથ યોજના, બેરોજગારી, અને ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉઠાવશે. ઓમ બિરલાએ સભ્યોને જણાવ્યુ કે સત્ર દરમિયાન 18 બેઠકો થશે અને કુલ 108 કલાકનો સમય રહેશે. જેમાં લગભગ 62 કલાક સરકારી કામકાજ માટે રહેશે. બાકીનો સમય પ્રશ્નકાળ, શૂન્ય કાળ અને બિન-સરકારી કામકાજ માટે ફાળવવામાં આવશે.
બિનસંસદીય શબ્દોનો ઉપયોગ નહીં
આ બેઠકમાં બિનસંસદીય શબ્દોની યાદીને લગતો મુદ્દો પણ ઉઠ્યો હતો. બિરલાએ કહ્યું કે કોઈપણ પાર્ટી સત્ર દરમિયાન બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે લોકસભાના અધ્યક્ષ સંસદના દરેક સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠક યોજે છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈ એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.