સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, UCC બિલ પસાર થઈ શકે


HD ન્યુઝ ડેસ્કઃ સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ સત્રની તારીખોને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે CCPA બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તારીખ નક્કી કરવામાં આવી હતી. ચોમાસુ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) સંબંધિત બિલ રજૂ કરી શકે છે.
20 જુલાઈથી શરૂ થશેઃ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે, સંસદનું ચોમાસુ સત્ર, 2023 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને સત્ર દરમિયાન વિધાનસભા અને સંસદના અન્ય કામકાજમાં રચનાત્મક રીતે યોગદાન આપવા અપીલ કરું છું.”
UCC બિલ રજૂ થઈ શકેઃ મોનસૂન સત્રમાં મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને બિલ રજૂ કરી શકે છે. યુસીસીને લઈને પીએમ મોદીના તાજેતરના નિવેદન પછી, તેના વિશે અટકળો તેજ થઈ ગઈ છે. 27 જૂને પીએમ મોદીએ ભોપાલમાં કહ્યું હતું કે જ્યારે બે કાયદા હોવાને કારણે ઘર નથી ચાલી શકતું તો દેશ બેવડી વ્યવસ્થા સાથે કેવી રીતે ચાલશે? પીએમ મોદીનું નિવેદન UCCની તરફેણમાં પિચ તૈયાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.