અમદાવાદ, 16 જુલાઈ 2024, શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. વાતાવરણમાં સામાન્ય ઠંડકને કારણે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે ચોમાસાની ઋતુમાં પીવા લાયક પાણી પણ અશુદ્ધ હોવાથી પાણીજન્ય રોગમાં પણ વધારો થયો છે તેમાં પણ ખાસ કરીને ઝાડા ઉલટીના કેસમાં મોટો વધારો થતા ચિંતાજનક બાબત બની છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ફક્ત એક જ સપ્તાહમાં 12,874 ઓપીડી કેસ નોંધાયા હતા. જેમાંથી 1,360 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તથા ગત સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1,918 નોંધાયા હતા. જે વર્ષ 2024માં દર સપ્તાહમાં નોંધાતા વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં સૌથી વધુ છે.
230 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાંથી 44 દર્દીના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહમાં ઓપીડીમાં પણ વર્ષ 2024 માટે સૌથી વધુ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગ વિશે જણાવવામાં આવે તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ખૂબ જ સામાન્ય બનતો જઈ રહ્યો છે કારણ કે આ બંને બીમારીના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જેમાં ગત એક સપ્તાહ દરમિયાન 230 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાંથી 44 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મેલેરિયાના 232 શંકાસ્પદ કેસમાંથી ચાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબ દ્વારા તેમની મેલેરિયાની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે ચિકનગુનિયાના 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા. સદનસીબે એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો.
હિપેટાઇટિસના 12 કેસ અને ટાઈફોડના 8 કેસ નોંધાયા
ચોમાસાની ઋતુ દરમિયાન અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવવી પાણી ભરાઈ જવું જેવી સ્થિતિ સર્જાતી હોય છે. હાલમાં જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પણ અશુદ્ધ પીવા લાયક પાણી મળી રહ્યું છે જેને કારણે પાણીજન્ય રોગનો ખતરો પણ વધ્યો છે. ગત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 62 કેસ નોંધાયા હતા. વાઇરલ હિપેટાઇટિસના 12 કેસ અને ટાઈફોડના 8 કેસ નોંધાયા હતા. તદુપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલા હિમોફીલિયા ડે કેર સેન્ટરમાં ગત એક સપ્તાહ દરમિયાન 59 કેસ નોંધાયા હતા, જેમાંથી 16 બાળકો અને 43 વયસ્કની સારવાર થઈ હતી.
આ પણ વાંચોઃચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, જાણો શું કહ્યું આરોગ્યમંત્રીએ?