ચોમાસાનું ગુજરાત તરફ પ્રયાણ, જાણો રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?
બિપરજોય વાવાઝોડાના કારણે ઘણા દિવસોથી અટકેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે.કેરળમાં ચોમાસું બેસી ગયું છે. આ સાથે ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવતા થોડો સમય લાગશે, પહેલા મુંબઈ પહોંચશે અને તે પછી ગુજરાત પહોંચશે.
રાજ્યમાં આ તારીખથી બેસશે ચોમાસું
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 20થી 25 તારીખમાં બેસતું હોય છે. પરંતુ પહેલા મુંબઈમાં ચોમાસું પહોંચે તે પછી ગુજરાતમાં ચોમાસુ બેસશે. વાવાઝોડાએ ચોમાસાની પેર્ટને ખોરવી નાંખી હતી. જેના કારણે કેરળમાં ચોમાસું મોડું પહોંચ્યું છે. ચોમાસું હજુ ગુજરાત સુધી પહોચ્યું નથી. જેથી રાજ્યમાં ચોમાસાના આગમન માટે હજી રાહ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં જે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે રાજ્યમાં 22થી 24 જૂન સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની શક્યતા છે.ચોમાસાના નિયમિત વરસાદ પહેલા વાવાઝોડાના કારણે વરસાદ થઈ ગયો છે. અને અમુક વિસ્તારમાં વાવાણી લાયક વરસાદ થયો છે. જેથી ચોમાસુ મોડુ પડવાની ખાસ અસર વર્તાઈ નથી. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકસાન થયુ છે.
ચોમાસાને લઈને અંબાલાલે શું કહ્યું ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. તેમજ 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગામી અઠવાડિયાથી કે એટલે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસું ધોધમાર વરસાદ સાથે આવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન એજન્સી સ્કાયમેટે કરી આગાહી
હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, 27 જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેમજ સ્કાયમેટે 27 જૂનથી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તેમજ મહિનાના અંત સુધી મુંબઈમાં અને પછી એક કે બે દિવસ એટલે કે 30 જૂનથી 1-2 જુલાઈએ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. જુલાઈ મહિનાના પ્રારંભમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર અને વિધિવત એન્ટ્રી થશે તેમ હવામાન એજન્સીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : બિપરજોય ઇફેક્ટ : વાવાઝોડા બાદ વરસેલા વરસાદથી કચ્છ, ઉત્તર ગુજરાતમાં ડેમ છલકાયા, 4 ડેમો હાઈએલર્ટ