ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વભરમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. 29 દેશોમાં ચેપના કેસોની સંખ્યા 1000ને વટાવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે ચેતવણી આપી હતી કે, ‘મંકીપોક્સનું જોખમ વધી રહ્યું છે. કારણ કે તે એવા દેશોમાં ફેલાઈ રહ્યું છે, જ્યાં તે અત્યાર સુધી એકપણ કેસ નહોતો. આ દેશોમાં મંકીપોક્સના કેસ હવે એક હજારને વટાવી ગયા છે. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અધાનમે કહ્યું કે, વૈશ્વિક આરોગ્ય એજન્સી વાયરસ સામે સામૂહિક રસીકરણની ભલામણ કરતી નથી.
એજન્સીએ કહ્યું કે, અત્યાર સુધી વાયરસથી કોઈ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. મંકીપોક્સનો ખતરો હવે એવા દેશોમાં વાસ્તવિક છે, જ્યાં તે હજી સુધી રોગચાળા તરીકે અસ્તિત્વમાં નથી તેવું અધાનમે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. મંકીપોક્સ નવ આફ્રિકન દેશોમાં માનવીઓમાં રોગચાળા તરીકે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ છેલ્લા મહિનાઓમાં આ રોગચાળો યુરોપના મોટાભાગના અને મુખ્યત્વે બ્રિટન, સ્પેન અને પોર્ટુગલ સહિતના ઘણા દેશોમાં ફેલાયો છે.
યુએસમાં અત્યાર સુધીમાં 30 કેસની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ યુએસ હેલ્થ એજન્સી સીડીસીએ તેનું એલર્ટ લેવલ બદલ્યું છે. આ પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું હતું કે, મંકીપોક્સ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. તેણે આ માટે નાઈજીરિયાનું ઉદાહરણ આપ્યું. 2017માં નાઇજિરીયાની એક જેલમાં મંકીપોક્સ ચેપ ફેલાયો હતો. કેદીઓ ઉપરાંત આ બીમારીએ આરોગ્ય કર્મચારીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. એવા લોકો પણ હતા જેઓ દર્દીઓના સંપર્કમાં આવ્યા ન હતા. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે, મંકીપોક્સ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે.
મુખ્યત્વે હોમોસેક્સ્યુઅલ સંક્રમિત
ટ્રેડોસે જણાવ્યું હતું કે, જ્યાં વાઇરસ પહોંચ્યો નહોતો તેવા 29 દેશોમાંથી મંકીપોક્સના 1,000થી વધુ કેસ છે. અત્યાર સુધી આ દેશોમાં કોઈ મૃત્યુ થયું નથી. જે પુરૂષો સાથે સંભોગ કરે છે, તેઓ મુખ્યત્વે સંક્રમિત થાય છે, જો કે સંક્રમિતોમાં માત્ર સમલૈંગિકોનો સમાવેશ થતો નથી. કેટલાક દેશો સમુદાય ટ્રાન્સમિશનના કેસની જાણ કરવાનું પણ શરૂ કરી રહ્યા છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.