વિશ્વભરમાં કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સ વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. 7 મેના રોજ બ્રિટનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. પરંતુ હવે લગભગ એક મહિના પછી 30થી વધુ દેશોમાં મંકીપોક્સના કુલ 600 કેસ નોંધાયા છે. એટલે કે, સમગ્ર વિશ્વમાં દરરોજ સરેરાશ 20 નવા દર્દીઓ જોવા મળે છે. છેલ્લા અઠવાડિયામાં અડધા ડઝનથી વધુ દેશોમાં મંકીપોક્સના પ્રથમ કેસ નોંધાયા હતા. મંકીપોક્સના પ્રકોપને જોતા દેશમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
10% મૃત્યુ દર
યુએસ હેલ્થ એજન્સી સીડીસી અનુસાર આફ્રિકામાં મંકીપોક્સના દર્દીઓના વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, 10માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. એનો અર્થ એ થયું કે, મંકીપોક્સના કારણે મૃત્યુદર 10 ટકા સુધી છે.
ભારતમાં એલર્ટ
કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જેથી સમયસર તેને નિયંત્રિત કરી શકાય. સરકારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને આની દેખરેખ રાખવા માટે સૂચનાઓ જારી કરી છે. મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી પરત ફરી રહેલા પ્રવાસીઓ પર નજર રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો ધરાવતા મુસાફરોના નમૂનાઓને તપાસ માટે તાત્કાલિક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેમાં મોકલવા પણ કહેવામાં આવ્યું છે.
WHOએ ચિંતા વ્યક્ત કરી
અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું હતું કે, મંકીપોક્સને સમયસર નિયંત્રિત કરી શકાય છે અને વિશ્વ પાસે આ પ્રકોપને રોકવાની તક છે. પરંતુ હવે WHOએ તેના નિવારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું કે, સ્પષ્ટપણે કહી શકાય નહીં કે તેને નિયંત્રિત કરી શકાય છે કે નહીં.
ઝડપથી ફેલાવાનો ભય
WHO યુરોપ કાર્યાલયના વડા ડો. હંસ ક્લુગેએ જણાવ્યું હતું કે, તહેવારો અને ઉજવણીના કારણે આગામી મહિનાઓમાં મંકીપોક્સના ફેલાવાને લઈને સાવચેત રહેવાની જરૂર છે. જો થોડી પણ ઢીલાસ લેવામાં આવશે તો તે આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. WHOએ તેના ફેલાવા પાછળ જાતીય પ્રવૃત્તિઓને પણ જવાબદાર ગણાવી હતી.