વિશ્વભરમાં ‘મંકીપોક્સ’નો ખતરોઃ જાણો- બાળકો માટે ICMRએ શું આપી ચેતવણી?


કોરોના બાદ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વના માથે ‘મંકીપોક્સ’ બિમારીનું જોખમ તોળાઈ રહ્યું છે. દિવસે-દિવસે ‘મંકીપોક્સ’ના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, તેનું જોખમ વધી રહ્યું છે. ત્યારે, આ સ્થિતિમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ‘મંકીપોક્સ’ને લઈ ચેતવણી આપી છે. ICMRએ ચેતવણી આપતા કહ્યું છે કે-“નાના બાળકોને ‘મંકીપોક્સ’ની બિમારીનું જોખમ વધુ છે, જેના કારણે તેના લક્ષણો પર ધ્યાન આપવું પડશે.”

ICMRની ચેતવણીના પગલે ભારતીય પ્રાઈવેટ હેલ્થ ડિવાઈસ કંપની ટ્રીવી ટ્રોન હેલ્થકેર દ્વારા ‘મંકીપોક્સ’ની તપાસ માટે RT-PCR ટેસ્ટ કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટની મદદથી એક કલાકની અંદર કોઈ પણ વ્યક્તિ ‘મંકીપોક્સ’ સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે, ભારતમાં આ ચેપી બિમારીના એક પણ કેસની હજુ સુધી પુષ્ટી થઈ નથી. તેમ છતાં, ભારત સરકાર સતર્કતાના ભાગરૂપે એલર્ટ છે.
21 દેશમાં ‘મંકીપોક્સ’નો ખતરો
અત્યાર સુધીમાં વિશ્વના 21 દેશમાં ‘મંકીપોક્સ’ના 226 કેસની પુષ્ટિ થઈ છે. શુક્રવારે WHOએ જણાવ્યું હતું કે, લગભગ 100 શંકાસ્પદ દર્દી એવા દેશોમાંથી નોંધાયા છે, જ્યાં સામાન્ય રીતે ‘મંકીપોક્સ’ના કેસ જોવા મળ્યા નથી. બ્રિટનમાં 7 મેના રોજ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. આર્જેન્ટિનામાં શુક્રવારે મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. દર્દી તાજેતરમાં જ સ્પેનથી પરત ફર્યો હતો. આર્જેન્ટિનામાં વાઇરસનો એક શંકાસ્પદ દર્દી પણ મળી આવ્યો છે. અગાઉ મંગળવારે પશ્ચિમ આફ્રિકાથી UAE પરત ફરેલી એક મહિલામાં પણ ‘મંકીપોક્સ’ની પુષ્ટિ થઈ હતી.

સ્પેનમાં ‘મંકીપોક્સ’નું વધુ સંક્રમણ
ચાલુ મહિનામાં મંકીપોક્સના કેસ જે રીતે સ્પેનમાં વધી રહ્યા છે તેને જોતાં સ્પેનને એપીસેન્ટર માનવામાં આવી રહ્યું છે. શુક્રવાર સુધી સ્પેનમાં 98 કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે, બ્રિટનમાં 106 અને પોર્ટુગલમાં 74 કેસ મંકીપોક્સના નોંધાયા છે. આ સિવાય મંકીપોક્સ કેનેડા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, ઈટાલી અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સલાહકારે જણાવ્યું હતું કે સમલૈંગિક પુરુષોમાં મંકીપોક્સ ચેપ ફેલાવાનું કારણ સ્પેન અને બેલ્જિયમમાં સમલૈંગિક સંબંધ હોઈ શકે છે. જો કે, મંકીપોક્સ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ નથી. પરંતુ, સેક્સ દરમિયાન ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક આવવાથી રોગ ફેલાય છે. સમલૈંગિક પુરુષોમાં ઝડપથી ફેલાતા સંક્રમણને જોતાં WHOએ પણ એલર્ટ જાહેર કર્યું છે. WHOના કહેવા મુજબ, જો કોઈ વ્યક્તિમાં મંકીપોક્સનાં લક્ષણો જોવા મળે છે, તો તેની સાથે સ્કિન ટુ સ્કિન, ફેસ ટુ ફેસ અને જાતીય સંપર્ક ન કરો. જ્યારે પણ તમે દર્દીની નજીક આવો ત્યારે માસ્ક પહેરો અને હાથ ધોવા જોઈએ.
શું છે ‘મંકીપોક્સ’ના લક્ષણો?
મંકીપોક્સનાં લક્ષણોમાં આખા શરીરમાં પરુથી ભરેલા ફોલ્લીઓ, તાવ, લસિકા ગાંઠોમાં સોજો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે.