નાણાકીય ગેરરીતિના કેસમાં સુમિત ચઢ્ઢા સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સંજય ભંડારી કેસના મની લોન્ડરિંગ કેસમાં સુમિત ચઢ્ઢા સામે ઓપન-એન્ડેડ બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. સ્પેશિયલ જજે 22 ડિસેમ્બરે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, EDની વિનંતી પર આરોપી સુમિત ચઢ્ઢાની ધરપકડ કરવા અને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે NBW (બિન-જામીનપાત્ર વૉરન્ટ)નો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ED દ્વારા સુમિત ચઢ્ઢાને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. મહત્ત્વનું છે કે, સુમિત ચઢ્ઢા મની લોન્ડ્રિંગ મામલામાં કથિત હથિયાર ડીલર ભાગેડૂ સંજય ભંડારી સાથે સંડોવાયેલા છે.
એજન્સીએ ચાર્જશીટમાં ભંડારી, તેમના સંબંધી સુમિત ચઢ્ઢા અને NRI બિઝનેસમેન સીસી થમ્પીના નામ આપ્યા છે. ED દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટને જોતાં કોર્ટે કહ્યું કે, ફરિયાદ મુજબ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળ્યા પછી આરોપી C.C. થમ્પી અને સુમિત ચઢ્ઢાને સમન્સ પાઠવવામાં આવશે. અગાઉ પણ EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે તેઓએ સુમિત ચઢ્ઢા અને તેની પત્નીને સમન્સ જારી કર્યા હતા, પરંતુ તે બંને તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.
EDના જણાવ્યા મુજબ, આરોપી સંજય ભંડારીએ ભારતની બહાર ઘણી મિલકતો હસ્તગત કરવાના હેતુસર UAE અને U.K.માં સ્થિત ઘણા લોકો સાથે મળીને નેટવર્ક બનાવ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે, ઈમેલમાં ભાગેડૂ સંજ્ય ભંડારીના નજીકના ગણાતા સી.સી. થમ્પી અને સુમિત ચઢ્ઢા સાથે મળીને કામ કરતા હતા. EDએ વધુમાં ઉમેર્યું હતું કે આ બે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે આ પુરાવા પૂરતા છે. આ આરોપોના આધારે આરોપી સુમિત ચઢ્ઢાને સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે સમન્સનો કોઈ જવાબ આપ્યો ન હતો.
આવકવેરા અધિકારીઓએ બ્લેક મની અને કર અધિનિયમ, 2015 હેઠળ ફરિયાદ દાખલ કર્યા પછી મની લોન્ડરિંગ વિરોધી એજન્સીએ ભંડારી સામે તેની તપાસ ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સાથે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પણ ભંડારી સામે કથિત રીતે વિદેશમાં અઘોષિત સંપત્તિ ધરાવવા બદલ મની લોન્ડરિંગ અને કરચોરીના આરોપોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં Vivo-Indiaના 3 ટોચના અધિકારીઓની ED દ્વારા ધરપકડ