મમ્મી-પાપા, હું JEE નહીં કરી શકું: કોટામાં વધુ એક વિદ્યાર્થિની જીવન હારી ગઈ
- બોરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 120 ફૂટ રોડ પર ઘટના બની
કોટા, 29 જાન્યુઆરી: રાજસ્થાનના કોટામાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આત્મહત્યાનો મામલો બહાર આવ્યો છે. વિદ્યાર્થિનીનું JEEનું પેપર 30 જાન્યુઆરીએ લેવાનું હતું. બોરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 120 ફૂટ રોડ પર શિવ મંદિર પાસે સોમવારે સવારે 10 વાગ્યે આ ઘટના બની હતી. વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણીએ લખ્યું હતું કે, ‘ મમ્મી-પાપા, હું JEE નહીં કરી શકું. તેથી હું આત્મહત્યા કરી રહી છું.’
બોરખેડા પોલીસ સ્ટેશનના ASI રેવતીરમને જણાવ્યું કે, બોરખેડામાં રહેતા વિજય સિંહે પોલીસ સ્ટેશનમાં એક રિપોર્ટ આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, તેની પુત્રી નિહારિકા (18) ધોરણ 12માં અભ્યાસ કરે છે. આવતીકાલે તેનું JEEનું પેપર લેવાનું હતું. સોમવારે સવારે તેણે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જાણ થતાં પરિવારજનોએ તેણીને એમબીએસ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ નિહારિકાને મૃત જાહેર કરી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે અભ્યાસના કારણે તણાવમાં હતી. વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણીએ JEE પાસ ન કરવા પર આત્મહત્યા કરવાની વાત લખી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પરિવારજનોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લો વિકલ્પ આ(આત્મહત્યા) જ છે : વિદ્યાર્થીની
વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં તેણીએ લખ્યું કે, ‘મમ્મી-પાપા, હું JEE નહીં કરી શકું, તેથી જ હું આત્મહત્યા કરી રહી છું, હું હારી ગઈ છું, હું સારી દીકરી નથી. મમ્મી અને પપ્પા મને માફ કરજો’
ઓરડામાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
પિતરાઈ ભાઈ વિક્રમે જણાવ્યું કે, નિહારિકા ત્રણ બહેનોમાં સૌથી મોટી હતી. પિતા વિજયભાઈ બેંકમાં ગનમેન છે. વિજયભાઈ સોમવારે સવારે ફરજ પર જવા નીકળ્યા હતા. ત્યારે નિહારિકા બીજા માળે તેના રૂમમાં અભ્યાસ કરતી હતી. પરિવારના અન્ય સભ્યો નીચે હતા. સવારે 10 વાગ્યાની આસપાસ દાદીએ રૂમનો દરવાજો ખખડાવ્યો તો નિહારિકાએ ગેટ ન ખોલ્યો. દાદીએ બૂમ પાડીને બધાને બોલાવ્યા. જ્યારે અમે દરવાજો તોડ્યો તો જોયું કે નિહારિકા ગેટની ઉપરની સ્કાઈલાઇટથી લટકતી હતી. ત્યારબાદ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
વિક્રમે વધુમાં જણાવ્યું કે, “નિહારિકા અભ્યાસમાં સારી હતી. ગયા વર્ષે તેને 12મામાં ઓછા માર્ક્સ આવ્યા હતા. તેથી તે ફરીથી 12મુ કરી રહી હતી, અને JEEની તૈયારી પણ કરી રહી હતી. તેની JEEની પરીક્ષા 30મી જાન્યુઆરીએ હતી. પરીક્ષાને લઈને તે ખૂબ જ તણાવમાં હતી. તે દરરોજ 6-7 કલાક અભ્યાસ કરતી હતી. તેના ઓનલાઈન ક્લાસ પણ ચાલુ હતા. તે ઘણીવાર અભ્યાસમાં વ્યસ્ત રહેતી હતી
એક અઠવાડિયામાં બીજી આત્મહત્યા
કોટામાં એક સપ્તાહમાં વિદ્યાર્થીની આત્મહત્યાની આ બીજી ઘટના છે. આ પહેલા NEETની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ 23 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. 19 વર્ષીય મોહમ્મદ ઝૈદ ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો રહેવાસી હતો. તે કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ રાજીવ ગાંધી નગર વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહેતો હતો. તેણે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ 24 જાન્યુઆરીના રોજ થઈ હતી. વર્ષ 2024માં વિદ્યાર્થીની આત્મહત્યાની આ બીજી ઘટના છે.
આ પણ જુઓ : વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ ચાર આરોપી ઝડપાયા, હજુ 6 આરોપીઓ ફરાર