ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

ઓડિશામાં ભાજપના પ્રથમ સીએમ બન્યા મોહન માઝી, 2 ડેપ્યુટી સીએમ અને 13 મંત્રીઓએ લીધા શપથ

  • ઓડિશામાં ભાજપે પહેલીવાર બનાવી સરકાર
  • રાજ્ય સરકારમાં બે ડેપ્યુટી સીએમ ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ
  • રાજ્યના પાંચ મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)એ પણ લીધા શપથ

ઓડીશા, 12 જૂન: ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આદિવાસી નેતા મોહન માઝીએ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ગત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક રહેલા માઝી તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચોથી વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ કેઓંઝર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. રાજ્યપાલ રઘુવર દાસે તેમને જનતા મેદાનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઓડિશામાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે.

સીએમ સહીત 2 ડેપ્યુટી સીએમએ પણ લીધા શપથ

સીએમ ઉપરાંત બે નવા ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પટનાગઢના ધારાસભ્ય કે.વી.સિંહ દેવ અને નિમાપારા વિધાનસભા ક્ષેત્રના પ્રથમ વખત ધારાસભ્ય પ્રભાતિ પરિદાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બોલાંગીર જિલ્લાના પટનાગઢના ભૂતપૂર્વ રાજવી પરિવારમાંથી આવતા કનક વર્ધન સિંહ દેવ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના દાદા રાજેન્દ્ર નારાયણ સિંહ દેવ પણ રાજવી પરિવારમાંથી હતા અને મુખ્યમંત્રી રહી ચુક્યા છે. કનક પ્રથમ વખત 1995માં રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા અને ત્યારથી 2019 સિવાય સતત જીતી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા કનક વર્ધન સિંહ દેવ નવીન પટનાયક સરકારમાં 2000 થી 2009 વચ્ચે મંત્રી હતા. તેમની પત્ની સંગીતા સિંહ દેવ બોલાંગીરથી વર્તમાન લોકસભા સાંસદ છે.

આ દરમિયાન 57 વર્ષીય પ્રભાતિ પરિદાએ પણ ઓડિશાના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પરિદાએ 2005માં ઓરિસ્સા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે ઓડિશામાં ભાજપની મહિલા પાંખની પ્રમુખ રહી ચૂકી છે. જો કે, આ પહેલા તે ત્રણ વખત નિમાપરા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ 2024માં તેને સફળતા મળી હતી. ઓડિશામાં ભાજપે પહેલીવાર સરકાર બનાવી છે.

ભાજપે 147 બેઠકોમાંથી 78 બેઠકો પર જીત મેળવી પહેલીવાર સરકાર રચી

રાજ્ય સરકારમાં બે ડેપ્યુટી સીએમ ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. રાજ્યના પાંચ મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)એ પણ શપથ લીધા છે. સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ અને કૃષ્ણ ચંદ્ર પાત્રાએ સીએમ મોહન ચરણ માઝીના નેતૃત્વમાં મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ લીધા છે. પૃથ્વીરાજ હરિચંદન, ડૉ. મુકેશ મહાલિંગા, વિભૂતિ ભૂષણ જેના અને ડૉ. કૃષ્ણ ચંદ્ર મહાપાત્રાએ પણ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં ભાજપે 78 બેઠકો જીતી છે, જ્યારે બીજુ જનતા દળ (બીજેડી)એ 51 બેઠકો પર જીત મેળવી છે.

સમારોહમાં વડાપ્રધાન સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ આપી હાજરી

મોદી ઉપરાંત બીજેપી ચીફ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, જુઆલ ઓરમ, અશ્વિની વૈષ્ણવ અને અન્યોએ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત, છત્તીસગઢ અને ઉત્તરાખંડ સહિતના ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં ઓડિશાના આઉટગોઇંગ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યા હતા.

ભાજપને પહેલી વખત સ્પષ્ટ જનાદેશ મળ્યો

બીજુ જનતા દળ (BJD) ના 24 વર્ષ જૂના શાસનનો અંત કરીને ઓડિશામાં પ્રથમ વખત ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો. 147 સભ્યોની રાજ્ય વિધાનસભામાં, ભાજપ 78 બેઠકો મેળવીને સત્તામાં આવ્યો, જ્યારે પટનાયકની આગેવાની હેઠળની BJDને 51, કોંગ્રેસને 14, CPI(M) ને એક બેઠક અને ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી.

આ પણ વાંચો: રાજ ઠાકરેએ વધાર્યું ભાજપનું ટેન્શન, વિધાનસભા ચૂંટણીમાં માંગી 20 સીટો

Back to top button