10 મે, નવી દિલ્હી: ભારતના અને ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ લખનૌ સુપર જાયન્ટ્સના માલિકના વ્યવહારની આકરી ટીકા કરી છે. હૈદરાબાદ સામે ટીમને મળેલી શરમજનક હાર બાદ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા કેપ્ટન કેએલ રાહુલને ખખડાવતા હોય એવું જોવા મળ્યું હતું.
આ ઘટનાની આકરી ટીકા કરતાં મોહમ્મદ શામીએ કહ્યું હતું કે, ‘દરેક ખેલાડીનું આત્મસન્માન હોય છે અને તમારું પણ જ્યારે તમે કોઈ ટીમના માલિક છો. ઘણા બધા લોકો તમારામાંથી પ્રેરણા લઈને શીખતા હોય છે. જો આ બધું કેમેરાની સામે થતું હોય તો બહુ શરમની વાત છે.’
શામીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જો તમારે તમારા કેપ્ટનને કશું કહેવું પણ હોય તો તેના ઘણા અલગ અલગ રસ્તાઓ છે તેનો ઉપયોગ કરો. તમારે આ વાત કેપ્ટનને ડ્રેસિંગરૂમમાં કે હોટલમાં કહેવી જોઈતી હતી, મેદાન પર આમ કરવાની બિલકુલ જરૂર ન હતી.’
લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલ વિશે શામીનું કહેવું હતું કે, ‘તે (રાહુલ) કેપ્ટન પણ છે. તે કોઈ સામાન્ય ખેલાડી નથી. આ ટીમ ગેમ છે અને જો તમારી યોજના સફળ ન જાય તો તે બહુ મોટી વાત નથી. આ રમતમાં ગમેતે શક્ય છે. હું તો એવું માનું છું કે ક્યારેક તમે બધી જ મેચો જીતતા હોવ છો અને ક્યારેક તમે બધી જ મેચો હારતા પણ હોવ છો. દરેક પરિસ્થિતિમાં તમારે એ ન ભૂલવું જોઈએ કે દરેક ખેલાડીને આત્મસન્માન હોય છે. આ રીતે કોઇપણ ખેલાડીને ધમકાવવામાં આવે તો તે ખૂબ ખરાબ મેસેજ બહારની દુનિયામાં મોકલવામાં આવતો હોય છે.
હૈદરાબાદ સામેની મોટી હાર બાદ ટીમના પ્લેઓફ્સમાં પહોંચવાના ચાન્સ અચાનક જ ઘટી જતા લખનૌ સુપર જાયન્ટ્સના માલિકના વ્યવહારમાં અચાનક જ પરિવર્તન આવી ગયું હતું. મેચ પત્યા બાદ જ્યારે ખેલાડીઓ એકબીજાને મળતા હોય છે તે સમયમાં સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલ એકબીજાની સામે આવી ગયા હતા. આ સમયે ગોયન્કા પોતાના હાથ હલાવતાં હલાવતાં રાહુલને વઢી રહ્યા હોય એમ સ્પષ્ટ દેખાતું હતું.
ગોયન્કાના ચહેરા પર ગુસ્સો સાફ દેખાતો હતો. તો બીજી તરફ કેએલ રાહુલ જે સ્વભાવ માટે જાણીતો છે તેનું પાલન કરતાં એકદમ શાંત થઈને ગોયન્કાને સાંભળી રહ્યો હતો. એક સમાચાર અનુસાર આવતા વર્ષે કદાચ લખનૌની ટીમ રાહુલને રીટેઇન પણ નહીં કરે.