ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર
- ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી આઈપીએલ 2024માંથી બહાર
- IPL 2024માં ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો
- શમી વર્લ્ડ કપ 2023 બાદ ભારતીય ટીમ માટે એક પણ મેચ રમ્યો નથી
મુંબઈ, 22 ફેબ્રુઆરી: IPL 2024ની શરૂઆત પહેલા એક મોટું અપડેટ આવ્યું છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPLમાંથી બહાર થઈ ગયો છે. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા હોવાના કારણે શમીને આ માટે બ્રિટનમાં સર્જરી કરાવવાની જરૂર પડી છે. બીસીસીઆઈના સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી છે. શમી વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે એક પણ મેચ રમી શક્યો નથી.
STORY | Mohammed Shami ruled out of IPL, to undergo ankle surgery
READ: https://t.co/EVaBF7xJHP
(PTI File Photo) pic.twitter.com/siU78h1vz5
— Press Trust of India (@PTI_News) February 22, 2024
- ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ શમી બહાર છે, તે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો.
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું, ‘શમી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પગની ઘૂંટીનું ખાસ ઈન્જેક્શન લેવા લંડન ગયો હતો, જ્યાં તેને કહેવામાં આવ્યું હતું કે ત્રણ અઠવાડિયા પછી તે લાઇટ રનિંગ શરૂ કરી શકે છે અને તે પછી આ ઈન્જેક્શન લઈ શકે છે.
બીસીસીઆઈના આ વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ ઈન્જેક્શન કામ કરતું નથી, જેના કારણે હવે શમી જોડે એકમાત્ર વિકલ્પ સર્જરી છે. આવી સ્થિતિમાં શમી ટૂંક સમયમાં સર્જરી માટે બ્રિટન જવા રવાના થશે, તેથી IPLની આ સિઝનમાં શમી રમી શકશે નહીં, જેથી શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ ટીમ માટે આ મોટો ફટકો છે.
પીડા છતાં શમી વર્લ્ડ કપમાં રમ્યો હતો
શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે આ ટૂર્નામેન્ટમાં પગમાં દર્દ હોવા છતાં રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા આવી રહી હતી, પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર અસર પડવા દીધી ન હતી. તાજેતરમાં જ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે.
આઈપીએલમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે
મોહમ્મદ શમીએ IPL 2023માં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીની આઈપીએલ કારકિર્દી ઘણી શાનદાર રહી છે. શમીએ અત્યાર સુધી 110 આઈપીએલ મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.
આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન, ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ 5માં પહોંચ્યા