પેંશન માટે એકના એક દીકરાએ માતાનું ગળું રેધી નાખ્યું, પછી પોલીસ સ્ટેશન જઈને ગુનો કબુલ્યો

ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં શનિવારે એક હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એકના એક દીકરાએ પોતાની જ માતાની ક્રૂરતાથી હત્યા કરી નાખી. વધુ ચોંકાવનારી વાત એ છે કે ગુનો કર્યા બાદ આરોપી દીકરો લગભગ બે કલાક સુધી પોતાની માતાના મૃતદેહ પાસે શાંતિથી બેઠો રહ્યો. ત્યારબાદ તેણે પોતે જ મોદીનગર પોલીસ સ્ટેશન પહોંચીને ગુનાની કબૂલાત કરી. આ ઘટના બહાર આવતા જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો અને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો.
રાહુલને શંકા હતી કે…
રાહુલ શર્મા મોદીનગરની જનતા કોલોનીમાં પોતાના પરિવાર—પત્ની, 8 વર્ષના પુત્ર અને માતા—સાથે રહેતો હતો. રાહુલના પિતા એક્ઝાઈઝ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર હતા અને 2002માં નિવૃત્તિ બાદ તેમનું અવસાન થયું હતું. પિતાના મોત પછી પેન્શનની રકમ સીધી રાહુલની માતાના ખાતામાં જમા થતી હતી. થોડા સમયથી રાહુલ અને તેની માતા વચ્ચે સતત તણાવ ચાલતો હતો. રાહુલને શંકા હતી કે તેની માતા પેન્શનના પૈસા તેની બહેનોને આપી રહી છે. તેને એ પણ ભય હતો કે ઘર તેની બહેનોના નામે કરી દેવામાં આવશે. આ શંકા અને અવિશ્વાસને કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા.
એક અઠવાડિયા પહેલા સ્થિતિ એટલી બગડી હતી કે રાહુલે પોતાની માતા પર હુમલો કર્યો હતો. ત્યારથી ઘરમાં સતત તંગદિલીનું વાતાવરણ રહેતું હતું અને માતા-પુત્ર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતો ગયો હતો.
મેં મારી માં ને ભગવાન પાસે મોકલી દીધી છે…
શુક્રવારે રાહુલે તેની પત્નીને તેના માતાપિતાના ઘરે મોકલી દીધી હતી. ત્યારબાદ શનિવારે બપોરે લગભગ 12 વાગ્યે રાહુલે તીક્ષ્ણ હથિયારથી પોતાની માતાનું ગળું રેધીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ પણ રાહુલ લાંબા સમય સુધી મૃતદેહની પાસે જ શાંતિથી બેસેલો રહ્યો, જાણે કંઈ થયું જ ન હોય. પછી અચાનક તે ઊભો થયો અને સીધો મોદીનગર પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યો. ત્યાં તેણે ધીમેથી પોલીસને કહ્યું— મેં મારી માતાને ભગવાન પાસે મોકલી દીધી છે. મને કંઈ ન કહો… હું મારો ગુનો કબૂલ કરું છું.
આ કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી અને તરત જ તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી.
એસીપી મોદીનગર અમિત સક્સેનાના જણાવ્યા અનુસાર, મોદીનગરના ફફરાણા રોડ પર જનતા કોલોનીમાં રહેતા રાહુલ શર્માએ પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું કે, તેણે તેની માતાની હત્યા કરી છે. માહિતીની તાત્કાલિક નોંધ લેતા, સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી, અને માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું. તેણે તેની માતાનું ગળું કાપી નાખ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની માતા આશરે 70 વર્ષની હતી. તેમના પતિ એક્સાઇઝ વિભાગમાં ASI હતા અને આશરે 23 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. હત્યાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. મળેલી ફરિયાદના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: “જો આજે ન્યાય નહીં મળે, તો મહિલાઓનો ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જશે”- પાકિસ્તાનથી નિકિતાનો ભાવનાત્મક વીડિયો












