‘મોદીજી, તમારે કોઈ બાળક કેમ નથી…’, ભત્રીજાવાદ પર લાલુનો પીએમ પર સૌથી મોટો હુમલો


બિહાર, ૩ માર્ચ: RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે બિહારમાં રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમના તરફથી પીએમ મોદી પર પરિવારવાદ પર ટોણો મારવામાં આવ્યો છે. લાલુએ કહ્યું છે કે પીએમ મોદી દરેક વખતે પરિવારવાદનો મુદ્દો ઉઠાવતા રહે છે, તેઓ કેમ નથી જણાવતા કે તેમને કોઈ બાળક કેમ નથી. લાલુએ આટલું બોલતાની સાથે જ રેલીમાં હાજર સમર્થકોએ જોરથી તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું હતું.
લાલુ પ્રસાદ યાદવ અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું કે મોદી અસલી હિન્દુ નથી. તેમની માતાનું અવસાન થયું, ત્યારે તેમણે વાળ અને દાઢી કેમ ન કપાવી, હિન્દુ ધર્મમાં દરેક પુત્રએ આમ કરવું જ પડતું હોય છે. આ પછી પૂર્વ સીએમ દ્વારા નીતિશ કુમાર પર પણ મોટો રાજકીય હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે નીતિશ સાથે અગાઉ ક્યારેય દુર્વ્યવહાર કર્યો નથી, છેલ્લી વખતે જ્યારે તેઓ અમને છોડીને ગયા હતા ત્યારે અમે તેમને ફક્ત પલ્ટુરામ કહીને બોલાવ્યા હતા, આ વખતે પણ અમે મોં ફેરવી લીધું છે, અમે ભૂલ કરી છે, તેજસ્વીએ પણ ભૂલ કરી છે. નીતીશ ફરી પીએમ મોદીના ચરણોમાં ગયા છે.