‘મોદી જીત્યા તો પાકિસ્તાન…’, ચૂંટણી પરિણામો પહેલા PAKના ભૂતપૂર્વ રાજદ્વારીએ શું કહ્યું?
- એક્ઝિટ પોલમાં ભાજપની જીત દેખાતા પાકિસ્તાના ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે ભાજપની પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી પાકિસ્તાન માટે ચિંતાનું કારણ
દિલ્હી, 04 જૂન: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે 4 જૂન મંગળવારના રોજ આવી રહ્યા છે. અગાઉ, વિવિધ એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભાજપ ફરી એક વખત જંગી બહુમતી સાથે સત્તામાં આવશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે. પાકિસ્તાનમાં પણ લોકસભા ચૂંટણી અને એક્ઝિટ પોલના પરિણામોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ અહેમદ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો આ વખતે પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે વડાપ્રધાન બને છે અને એનડીએ ગઠબંધનને સંસદમાં બે તૃતિયાંશ બેઠકો મળે છે તો ભાજપને સંસદમાં બંધારણ સુધારો કરવાની સત્તા મળશે. તેમનું કહેવું છે કે જેવી ભાજપને આ તાકાત મળશે, તે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું શરૂ કરશે.
- કોઈપણ પક્ષને લોકસભામાં બહુમતી મેળવવા માટે 543માંથી 272 બેઠકો મેળવવી જરૂરી છે. એક્ઝિટ પોલ મુજબ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને350થી વધુ સીટો મળવાનો અંદાજ છે.
પાકિસ્તાનના પૂર્વ ભૂતપૂર્વ રાજદ્વારીએ શું કહ્યું?
ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણીને લઈને પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ ચૌધરીએ જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં જે પણ કહે છે તે સત્તામાં આવ્યા બાદ તે કામ પુરુ કરે જ છે.
એજાઝ ચૌધરીએ કહ્યું, ‘અત્યાર સુધી અમે જોતા આવ્યા છીએ કે મોદી સાહેબે ચૂંટણી પ્રચારમાં જે પણ કંઈ કહે છે તેને સત્તામાં આવ્યા પછી પુરુ કરે જ છે. તેમણે 2019ની ચૂંટણીમાં કલમ 370નો ઉલ્લેખ કર્યો હતો અને સત્તામાં આવ્યા બાદ તરત જ તેને લાગુ કરી દીધો હતો. મને લાગે છે કે આ વખતે તેમની સૌથી મોટી પ્રાથમિકતા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની છે. આ માટે તેમણે ઘણું કામ શરૂ કરી દીધું છે.
એજાઝ ચૌધરીએ આગળ કહ્યું, ‘આમતો પાકિસ્તાનમાં કોઈને આની સામે કોઈ વાંધો નહીં હોય… જો ત્યાં હિન્દુઓની બહુમતી હોય તો બનાવો હિન્દુ રાષ્ટ્ર, તેનાથી અમને શું ફરક પડે છે. પરંતુ તેઓ પહેલાથી જ મુસ્લિમો અને અન્ય ધર્મના લોકો માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા હતા, તેઓ હિન્દુ રાષ્ટ્ર પછી વધુ સમસ્યાઓ ઉભી કરશે.’
તેમનું કહેવું છે કે, ‘પીએમ મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન જે કહે છે તે કરે છે અને લોકોએ એ ન સમજવું જોઈએ કે હિંદુ રાષ્ટ્રની વાત માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી છે પરંતુ બહુમત મળ્યા બાદ તેનો અમલ પણ કરવામાં આવશે.’
‘પાકિસ્તાનમાં ઘૂસીને મારશે…’
એજાઝ ચૌધરીનું કહેવું છે કે જો ભાજપ જંગી બહુમતી સાથે સત્તામાં આવશે તો પાકિસ્તાન પ્રત્યે તેનું વલણ પણ એવું જ રહેશે, તેથી પાકિસ્તાને અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ.
તેમનું કહેવું છે કે, ‘સત્તામાં આવ્યા બાદ ભાજપ બહારના દેશો, ખાસ કરીને પાકિસ્તાનના ઘરોમાં ઘૂસીને મારવાની પ્રવૃત્તિને આગળ વધારશે. પાકિસ્તાન માટે આ ચિંતાનો વિષય છે… મને લાગે છે કે અન્ય દેશો માટે પણ આ ચિંતાનો વિષય છે. તેથી પાકિસ્તાને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લેવી જોઈએ. જો કે ભાજપ કેટલી બેઠકો પર સત્તામાં આવશે તે હજુ નક્કી નથી.’
કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ આવો પણ કોઈ આવશે: ડૉ. મુજીબ અફઝલ
તે જ સમયે, પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાત ડૉ. કમર ચીમા સાથે વાત કરતા, રાજકીય અને આંતરરાષ્ટ્રીય મામલાના નિષ્ણાત પ્રોફેસર ડૉ. મુજીબ અફઝલે પીએમ મોદીના સંદર્ભમાં કહ્યું કે, ’90ના દાયકામાં કોઈએ વિચાર્યું ન હતું કે એક વ્યક્તિ આવશે અને ‘સખત હિંદુત્વ’નો પ્રચાર આસાનીથી કરશે.’
તેમણે કહ્યું, ‘તેમના બીજા કાર્યકાળમાં, તેમણે હિંદુત્વનો એજન્ડા પૂરો કર્યો, જેમાં કલમ 370, સમાન આચાર સંહિતા, ટ્રિપલ તલાક, રામ જન્મભૂમિનો સમાવેશ થાય છે… તેમણે તેમનો એજન્ડા ખૂબ જ આરામથી પૂર્ણ કર્યો. 90 ના દાયકામાં, કોઈએ વિચાર્યું ન હતું કે આવી વ્યક્તિ આવીને આટલી સરળતાથી સખત હિંદુત્વ ફેલાવશે… તે સમયે આવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.’ વધુમાં ડૉ.અફઝલ કહે છે કે પીએમ મોદીએ પોતાને એક ખૂબ જ સફળ રાજનેતા તરીકે સાબિત કર્યા છે.’
આ પણ વાંચો: ભારતના ભાવિ રાજકારણ અંગે દુનિયા શું કહે છે?