ભાજપની ઐતિહાસિક જીત માટે મોદી-શાહની રણનીતિ તો છે કારણભૂત પણ આપ-કોંગ્રેસની આ ભૂલો પણ જવાબદાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનું વાવાઝોડું ફર્યું અને આપ-કોંગ્રેસ સહિતના પક્ષ ફંગોળાઈ ગયા. ભાજપે 156 બેઠકો પર જીત મેળવીને રેકોર્ડ સર્જ્યો છે. ભાજપ માટે રાજનીતિની પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પાર્ટીને કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના રેકોર્ડ તોડવામાં સફળતા સાંપડી છે. આ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક સફળતા પાછળ PM મોદીની મહેનત ઉપરાંત ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કેટલીક ભૂલો પણ જવાબદાર ગણી શકાય.
કોંગ્રેસે કરેલી ભૂલ
‘ભારત જોડો યાત્રા’માં મેધા પાટકર જોડાતા ભાજપને મુદ્દો મળ્યો
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કાઢવામાં આવી છે. ત્યારે આ યાત્રામાં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેધા પાટકર જોડાયા હતા. ગુજરાત ચૂંટણીના સમયે જ મેધા પાટકર ભારત જોડો યાત્રામાં સામેલ થતાં ભાજપને કોંગ્રેસને ઘેરવાની તક મળી ગઈ હતી. અગાઉ જે ભાજપ મેધા પાટકરને લોકસભાના ઉમેદવાર બનાવવા બદલ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતો હતો, તેણે હવે કોંગ્રેસને આડેહાથ લેવાનું શરૂ કરી દીધુ છે. મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વીટ કરીને રાહુલ ગાંધીનો મેધા પાટકર સાથે ફોટો શેર કરીને કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવ્યા હતા. આટલું જ નહીં, એ પછી ભાજપના મોટાભાગના નેતાઓ પોતાની દરેક ચૂંટણી સભામાં મેધા પાટકરના ભારત જોડો યાત્રામાં જોડાવાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવતા રહ્યાં.
PM મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ધોરાજીની રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર્તા મેધા પાટકર માર્ચ-2006માં નર્મદા નદી પર બની રહેલા ડેમના વિરોધમાં ભૂખ હડતાલ પર બેઠા હતા. તેમણે નર્મદા પર બની રહેલા ડેમના નિર્માણ કાર્યને રોકવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા હતા. આ મેધા પાટકરને મુંબઈની ઉત્તર-પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. જો કે 2015માં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને આપમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ મેધા પાટકરે પણ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.
વડાપ્રધાનની રાવણ સાથે સરખામણી ભારે પડી
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક રેલીમાં વડાપ્રધાન મોદીની સરખામણી રાવણ સાથે કરી દીધી. જેમાં ખડગેએ કહ્યું હતું કે, કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય, વડાપ્રધાન દરેક ચૂંટણીમાં પોતાની જ વાત કરે છે. વડાપ્રધાન લોકોને કહે છે કે, મોદીને વોટ આપો. દરેક જગ્યાએ તમારો જ ચહેરો જોવાનો, શું તમારે રાવણની જેમ 10 માથા છે?
ખડગેની આ ટિપ્પણીએ પણ ગુજરાતમાં ભાજપની સફળતામાં સહાય કરી. PM મોદીએ તો આ ટિપ્પણીને જ ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો અને એક રેલીમાં કહ્યું કે, ખડગેને મારી તુલના રાવણ સાથે કરવા માટે શીખવાડવામાં આવ્યું છે. કોંગ્રેસને ભગવાન રામમાં વિશ્વાસ જ નથી. કોંગ્રેસ રામ સેતુના અસ્તિત્વનો સ્વીકાર પણ નથી કરતી. વડાપ્રધાન બાદ ભાજપના અન્ય નેતાઓએ પણ ખડગેની ટિપ્પણીને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનું શરૂ કર્યું. આખરે ખુદ ખડગેએ સ્પષ્ટતા કરી કે, મારા નિવેદનનો ચૂંટણીમાં લાભ ખાટવા માટે ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
આપની કેટલીક ભૂલ
‘આપ’ની મફતની રેવડીને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો
આ વખતની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને ફ્રી વીજળી, ફ્રી શિક્ષણ અને ફ્રી સારવાર જેવી અનેક મફતની રેવડીઓ આપી હતી. આટલું જ નહીં, જૂની પેન્શન સ્કીમ સહિત અનેક ગેરંટીઓ આપી હતી. કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત પંજાબના નેતાઓ ગુજરાતમાં તાબડતોડ પ્રચાર કરીને અહીંની જનતાને એક પછી એક ગેરંટી આપતા રહ્યાં. ખુદ કેજરીવાલ અને ભગવંત માન રોડ શૉ દરમિયાન પંજાબના લોકોના ઝીરો લાઈટ બિલ લઈને આવ્યા અને પછી લોકો પર ઉછાળતા હતા કે, તમારે પણ આવું ઝીરો લાઈટ બિલ જોઈતું હોય તો આપને લાવો. આમ આદમી પાર્ટીનો આ વધારે પડતો ઓવર કૉન્ફિડન્સ ગુજરાતની જનતાને પસંદ નથી પડ્યો.
આપનું કોંગ્રેસને મત ના આપવાનું આહ્વાન, ભાજપને ફાયદો કરી ગયો
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી પ્રચાર સમયે તાબડતોડ રેલીઓ કરતા હતા. જેમાં તેઓ એક વાત અવશ્ય કરતાં હતા કે, કોંગ્રેસને વોટ આપીને તમારો કિંમતી મત બરબાદ ના કરશો. બસ આ વાત ગુજરાતની જનતાને ખટકી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતની જનતાએ કેજરીવાલની વાત પર વિશ્વાસ તો કર્યો, પરંતુ કોંગ્રેસની જગ્યાએ આપને મત આપવાના બદલે ભાજપ પર પસંદગી ઉતારી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ ગણાતી મોટાભાગની બેઠકો પર લોકોને ભાજપ ઉમેદવારને ખોબલે-ખોબલે મત આપીને વિજયી બનાવ્યા છે.
ભાજપની રણનીતિ પણ વિરોધીઓ પર હાવી
ગુજરાત ચૂંટણીમાં ભાજપની રણનીતિ પણ વિરોધીઓ પર હાવી રહી છે. આ ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજ થયેલા નેતાઓને મનાવવામાં ભાજપને એકંદરે સફળતા મળી છે. આ ઉપરાંત જે-તે બેઠકો પર ભાજપના ઉમેદવારોથી નારાજગી સામે આવી હતી, પરંતુ પાર્ટીનું નેતૃત્વ અહીં કાર્યકરોને ઉભા રહેલા ઉમેદવારને જીતાડવા કામે લાગી જવાનું સમજાવવામાં સફળ રહ્યું હતુ.
ભાજપના ઐતિહાસિક જીત પાછળ સૌથી મોટું એક કારણ ગુજરાત PM મોદીનું હોમ સ્ટેટ હોવું પણ ગણી શકાય. ગુજરાતના લોકો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરે છે. ચૂંટણીના બન્ને તબક્કામાં વડાપ્રધાને છેક છેલ્લી ઘડી સુધી તાબડતોડ પ્રચાર કર્યો. જ્યાં ભાજપની સ્થિતિ નબળી જણાતી હતી, ત્યાં વધારે ધ્યાન આપ્યું અને જનસભા ઉપરાંત રોડ શૉ કરીને ભાજપ માટે મત માંગ્યા. જે કોંગ્રેસની હારનું કારણ બન્યું.