મોદી-શાહ અને નડ્ડા મિશન 150 માટે ‘ટીમ 183’ પસંદ કરશે, યુવા ચહેરાઓને આપી શકે છે પ્રાધાન્ય


ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે. બીજેપીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી અહીં સાંજે ઉમેદવારોના નામ નક્કી કરવા બેઠક કરશે. આ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સામેલ છે.

ભાજપ સતત સાતમી વખત ગુજરાતમાં જીત નોંધાવવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ આ બેઠક દરમિયાન તમામ 183 ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપે તેવી શક્યતા છે અને આગામી થોડા દિવસોમાં યાદી બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે પાર્ટી સીટ વહેંચણીના મામલે નવો રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંગઠનમાં નવી ઉર્જા ફેલાવવા માંગે છે. આ જોતાં અનેક વરિષ્ઠ નેતાઓને યાદીમાંથી બહાર રાખવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સૂત્રોએ એમ પણ કહ્યું કે પાર્ટીને સૂચનો મળ્યા છે કે તેણે નવા અને યુવા ચહેરાઓ પસંદ કરવા જોઈએ. રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો અને તેની મુખ્ય હરીફ કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ બદલીને વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 પર પહોંચી ગયું છે અને ભાજપ તમામ વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપે તેવી શક્યતા નથી. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના આગમનથી ભાજપ અને કોંગ્રેસ સામે નવો પડકાર ઉભો થયો છે.