નવી દિલ્હીઃ મોદી સરકારે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી સરકારી કાર્યાલયમાં સ્વચ્છતાનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે, જે 31 ઓક્ટોબર સુધી ચાલશે. અભિયાન અંતર્ગત કાર્યાલયમાં ઈલેક્ટ્રોનિક કચરા અને બેકાર પડી સરકારી ફાઈલને નષ્ટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને લઈને ઘણી જ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.
અભિયાનનું સંચાલન કરી રહેલા કાર્મિક મંત્રાલયે રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયોમાં કચરાના નિષ્પાદનથી સરકારે અત્યાર સુધીમાં 252 કરોડ રૂપિયાની આવક થઈ છે. અભિયાન 31 ઓક્ટોબર સુધી યથાવત રહેશે, તેથી આ આંકડો હજુ વધશે તેવી આશા છે. ગત વર્ષે ચાલેલા આ અભિયાનમાં સરકારે કચરો વેચીને 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ઈલેક્ટ્રોનિક કચરો પણ સામેલ
મંત્રાલયના જણાવ્યા મુજબ કોમ્પ્યુટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક કચરા ઉપરાંત સરકારી ઓફિસમાં બેકાર થઈ ગયેલી ફાઈલોની પણ દૂર કરાઈ. જે અંતર્ગત અત્યાર સુધીમાં કેન્દ્રીય સચિવાલયમાંથી જ 40 લાખથી વધુની ફાઈલને નષ્ટ કરવામાં આવી છે. જેમાં લગભગ 31 લાખ ઈ ફાઈલ્સ જ્યારે 8 લાખથી વધુની કિંમતની કાગળની ફાઈલો છે.
કચરો સાફ થવાથી 37.19 લાખ ચોરસ ફુટની જગ્યા ખાલી
વધુ એક ચોંકાવનારી વાત એ છે કે કચરો સાફ કરવાથી ઓફિસમાં 37.19 લાખ ચોરસ ફુટની જગ્યા ખાલી થઈ ગઈ છે, જેનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે કરવામાં આવી રહ્યો છે. જેમાં લાયબ્રેરી અને કેન્ટીનના નિર્માણથી લઈને બ્યુટીફિકેશનનું કામ પણ સામેલ છે. ગાંધી જયંતિના દિવસથી શરુ થયેલું આ સ્વચ્છતા અભિયાન સરદાર પટેલની જયંતિ એટલે કે 31 ઓક્ટોબર સુધી ચાલશે. આ અભિયાન કેન્દ્ર સરકારની ઓફિસ ઉપરાંત તમામ રાજ્ય સરકાર અને રાજભવન સુધી ચલાવવામાં આવી રહ્યું છે.