ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નારી શક્તિ અધિનિયમ નામે મહિલા અનામત ખરડો સંસદમાં દાખલ

Text To Speech

નરેન્દ્ર મોદી સરકારે છેવટે નવા સંસદભવનમાં પહેલી જ બેઠકમાં મહિલા અનામત ખરડો દાખલ કર્યો છે. લોકસભામાં આ ખરડો કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલે દાખલ કર્યો હતો. એનડીએ સરકારે આ 128મા બંધારણીય સુધારા ખરડાને “નારી શક્તિ વંદન અધિનિયમ” નામ આપ્યું છે. આ સાથે નવા સંસદ ભવનમાં દાખલ થયેલો આ સૌપ્રથમ ખરડો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ આ ખરડાને નારી સશક્તિકરણની દિશાનું ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ “નબળી મહિલાઓને સાંસદ બનાવવામાં આવશે” એવું નિવેદન કરીને વિવાદ છેડ્યો હતો. ખડગેના આવા નિવેદનથી અનેક લોકો નારાજ થયા હતા.

છેલ્લા 27 વર્ષથી આ ખરડા ઉપર વિવિધ રાજકીય પક્ષો વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે અને પરિણામે આ ખરડો જ્યારે પણ દાખલ થયો ત્યારે એ કાંતો પસાર થઈ શક્યો નથી અથવા ક્યારેક સરકારે ખરડાને સમર્થન નહીં મળે એવા ડરથી દાખલ કરવાનું ટાળ્યું હતું.

આ અગાઉ સોમવારે સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠકમાં મહિલા અનામત ખરડાને બહાલી આપવામાં આવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે, સંસદનું વર્તમાન વિશેષ સત્ર શરૂ થયું તે પહેલાં કોંગ્રેસ સહિતના ઈન્ડી ગઠબંધને એક વિશેષ બેઠકમાં મહિલા અનામત કાયદાની માગણી ઉઠાવી હતી, પરંતુ આજે મંગળવારે સરકારે સંસદમાં ખરડો દાખલ કર્યો ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ ખરડાને ભાજપના જુમલા તરીકે ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ સંસદના વિશેષ સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક યોજાઈ : અનેક પક્ષોએ મહિલા અનામત બિલને રજૂ કરવાનો કર્યો આગ્રહ

સરકારે હવે જ્યારે આ ખરડો દાખલ કર્યો છે ત્યારે પણ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રાજકીય ગણતરી મુજબ નિવેદન આપવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને બસપનાં વડાં માયાવતીએ મંગળવારે સવારે એક નિવેદન જારી કરીને મહિલા અનામત ખરડાને ટેકો આપવા માટે શરતી તૈયારી દર્શાવી હતી.

https://x.com/Mayawati/status/1704065578435039358?s=20

આ પણ વાંચોઃ મહિલા અનામત બિલ પર ભાજપના સમર્થન માટે BSPએ મૂકી શરત

આજે મંગળવારે સંસદમાં આ ખરડો દાખલ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે આવતીકાલે બુધવારે આ ખરડો પસાર કરવા માટે ચર્ચા થશે.

Back to top button