ખેડૂતો માટે મોદી કેબિનેટની મોટી જાહેરાત, લોનના વ્યાજમાં 1.5 ટકાની છૂટ
મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ટૂંકા ગાળા માટે ખેડૂતોને લોન ચૂકવવા માટે વ્યાજ સબવેન્શન સ્કીમ ચાલુ રાખી છે. એટલે કે જે ખેડૂતોએ 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન લીધી છે તેમને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે.
નરેન્દ્ર મોદી સરકારે વ્યાજ સબવેન્શન સ્કીમને યથાવત રાખી ખેડૂતોને મોટો લાભ આપ્યો છે. આ અંતર્ગત ખેડૂતોને ત્રણ લાખ સુધીના ટૂંકા ગાળા માટે વ્યાજમાં 1.5 ટકા રિબેટ મળશે. કેન્દ્ર સરકારને આ યોજનાના અમલીકરણ માટે 2022-23 થી 2024-25ના સમયગાળા માટે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈની જરૂર પડશે. વળતર આપવા માટે, સરકાર ધિરાણ આપતી બેંકો અને સહકારી સંસ્થાઓને આ ચૂકવણીઓ સીધી કરશે.
તેના ફાયદા શું છે ?
સતત વ્યાજ સબવેન્શન ધિરાણ સંસ્થાઓ, ખાસ કરીને પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોના નાણાકીય સ્વાસ્થ્ય અને સદ્ધરતાને સુનિશ્ચિત કરશે, જે ગ્રામીણ અર્થતંત્રને પર્યાપ્ત કૃષિ ધિરાણની ખાતરી કરશે. આનાથી ખેડૂતોને ટૂંકા ગાળાની કૃષિ જરૂરિયાતો માટે લોન લેવા પ્રોત્સાહિત થશે અને વધુને વધુ ખેડૂતો કૃષિ ધિરાણનો લાભ મેળવી શકશે. તેનાથી રોજગારીનું પણ સર્જન થશે. જે પશુપાલન, ડેરી, મરઘાં, મત્સ્યઉછેર સહિતની તમામ પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને સીધા પ્રોત્સાહિત કરશે. ખેડૂતો આ નાના ઉદ્યોગો માટે ઓછા વ્યાજે ટૂંકા ગાળાની કૃષિ લોન મેળવી શકશે. ખેડૂતોને સમયસર લોનની ચુકવણી કરતી વખતે વાર્ષિક 4%ના વ્યાજ દરે ટૂંકા ગાળાની કૃષિ લોન મળવાનું ચાલુ રહેશે.
ખેડૂતોને સરકાર દ્વારા સહકારી અને બેંકો દ્વારા ઓછા વ્યાજ દરે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. ઘણા ખેડૂતો આ લોન સમયસર ભરપાઈ કરે છે અને જ્યારે ઘણા ખેડૂતો અમુક કારણોસર સમયસર ચૂકવણી કરી શકતા નથી. જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે તેમને વ્યાજ સબવેન્શન સ્કીમનો લાભ મળશે.