નેશનલ

‘ત્રણ વખતના મુખ્યમંત્રીની મોદીએ ધરપકડ કરાવી’ હવે કેજરીવાલની પત્નીએ સંભાળ્યો મોરચો

નવી દિલ્હી, 22 માર્ચ : ED દ્વારા લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પ્રથમ વખત તેમની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે લખ્યું કે મોદીજીએ સત્તાના ઘમંડમાં ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ કરી છે અને તેઓ બધાને કચડી નાખવામાં વ્યસ્ત છે.

શું લખ્યું છે સુનીતા કેજરીવાલે ?

સુનીતા કેજરીવાલે લખ્યું, ‘મોદીજીએ સત્તાના ઘમંડમાં તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ કરાવી. તેઓ દરેકને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા રહ્યા છે. અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન છે અને બધું જાણે છે. જય હિન્દ’

EDએ ગુરુવારે ધરપકડ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેજરીવાલની લગભગ બે કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમના ઘરેથી ધરપકડ કરી હતી. હાલમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં પીએમએલએ કેસમાં કેજરીવાલના કેસની સુનાવણી ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, EDએ કેજરીવાલ વિશે ઘણા દાવા કર્યા છે. EDએ બે લોકોની ચેટને ટાંકીને કહ્યું કે તેમાં રોકડ વિશે ચર્ચા થઈ હતી.

EDએ કહ્યું કે, હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વિવિધ લોકોને મોટી રકમ આપવામાં આવી હતી. અમે આ લોકોની સીડીઆર વિગતો મેળવી છે. અમારી પાસે તેમનો ફોન રેકોર્ડ પણ છે. વિજય નાયરની એક કંપની પાસેથી પણ પુરાવા મળ્યા છે. આ પૈસા ચાર માર્ગો દ્વારા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ક્યાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે ?

મહત્વનું છે કે દિલ્હીની નવી લિકર પોલિસી નવેમ્બર 2021માં લાગુ કરવામાં આવી હતી. પરંતુ આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. બાદમાં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં દારૂની નીતિમાં અનિયમિતતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો.

ઇડીએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો. કેજરીવાલ આ કેસમાં ધરપકડ થનાર ચોથા મોટા નેતા છે. તેમની પહેલા મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ 4 ઓક્ટોબરે EDએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ મહિને 15 માર્ચે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Back to top button