તાજેતરમાં સાયબર ક્રાઈમની વિવિધ ઘટના બનતી રહે છે. જેમાં ઘણી વખત એવું બનતું હોય છે કે વીડીયોકોલ પર વ્યક્તિની સામે છેડે મહિલા નગ્ન થઈ જાય છે અને પછી બ્લેકમેઇલ કરતી ગેંગનો શિકાર ઘણાં મિડલ ક્લાસના અને અપર મિડલ ક્લાસના લોકો ભોગ બની રહ્યા છે. જેમાં કેટલાંક લોકો પાસે પાંચ હજારથી લઈ એક લાખ રુપિયા પડાવી લેવામાં આવે છે. ઘણી વખત એવું પણ બને છે કે સાયબર ક્રાઈમ સુધી પહોંચતી નથી અને ઘણી વખત લોકો બદનામીના ડરથી ફરિયાદ કરવા માટે પહોંચતા નથી.
હાલમાં અમદાવાદ-સુરત-રાજકોટમાં ઘણાં અપર મિડલ ક્લાસ અને બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પર વોટ્સએપ પર મહિલાઓના ફોન આવવાની વાત પોલીસ સામે આવી છે. જેમાં ફોન કરીને વ્યક્તિ કંઈ પણ સમજે તે પહેલાં જ મહિલા નગ્ન થઈ જાય છે. અને તેટલું જ નહીં તેનો વીડિયો રેકોર્ડ કરીને બ્લેક મેઈલીંગનો સેક્સટોર્શનનો ખેલ શરૂ થઈ જતાં હોય છે.
સમાજમાં આબરુ જવાની બીકને કારણે લોકો ડરી રહ્યા છે. તેમજ કેટલાંક કેસોમાં એવું પણ સામે આવ્યું છે કે, જેમના દ્વારા વિડીયો ઉતાર્યો છે તેઓ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હોય છે. જેની સામે ઘરના લોકોની બીકના કારણે ન છૂટકે લોકો પૈસા ચુકવતાં હોય છે. શરૂઆતમાં રૂ. 5000 માંગવામાં આવે છે અને એકવાર પૈસા આપ્યા પછી વધુ પૈસા માંગવામાં આવે છે. ગેંગનું પેટ ભરાયું ન હોય તેમ વધુ પૈસાની માંગ ચાલુ રાખવામાં આવે છે. પૈસા ન આપે તો ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે. જેની સાથે સેક્સટોર્શન રેકેટની સંખ્યા વધતી રહી છે.
સુરતના વ્યક્તિને વીડિયો વાયરલ કરવાની ધમકી
આ ઉપરાંત હાલમાં જ સુરતના એક વ્યક્તિનો કેસ સામે આવ્યો હતો જેમાં તેની સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી અને ત્યાર બાદ વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવીને ત્યાં વાતચીત શરૂ કરવામાં આવી અને તે દરમિયાન વીડિયો કોલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જ વ્યક્તિની સ્ક્રીન રેકોર્ડ કરીને તેની ક્લિપ બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ વ્યક્તિએ પરિવારના ડરથી પહેલાં તો પૈસા આપવાની હા પાડી પણ પછી માંગ સતત વધારો થતો તેમજ એવું કહેવામાં આવતુંકે વિડીય યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવશે તેના પરિણામે તે વ્યક્તિએ આખરે પોલીસ પાસે જવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પોલીસે તેમામ બાબતોની તપાસ કરી હતી. જેમાં સેક્સટોર્શન રેકેટની વાત સામે આવી હતી.
અમદાવાદમાં ઉચ્ચ અધિકારીનો કાર્ડ બતાવ્યો
એટલું જ નહીં અમદાવાદમાં એક કેસમાં એવું પણ સામે આવ્યું હતું કે, ભોગ બનેલા પુરુષને એટલી હદ્દે હેરાન કરવામાં આવ્યો કે તેને ગેંગ દ્વારા એક સીનીયર આઈપીએસ અધિકારીનું ઓળખકાર્ડ પણ મોકલવામાં આવ્યું હતું તેમાં નેશનલ ફોરેન્સીક ડેટાબેઇઝ ઇન્વેસ્ટીગેશન રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લખાયેલુ હતું ઉપરાંત અધિકારીનો હોદ્દો પણ લખાયેલો હતો. સાયબર સેલના અધિકારીએ કહ્યું કે, આ ઓળખકાર્ડ બોગસ હતો. તેમજ દિલ્હી સાયબર ક્રાઈમની ટીમના નામે પણ બોગસ ફોન કરવામાં આવ્યા હતા.
છેલ્લા 2 વર્ષમાં વધ્યુ ચલણ
મહત્વની વાત એ છે કે, કોરોનાકાળ વખતથી સેક્સટોર્શન રેકેટ વકર્યું હતું. 2019માં માત્ર 1 કેસ હતો. 2020માં 30 તથા 2021માં 101 કેસ નોંધાયા હતા. તેમજ હાલના વર્ષમાં અવરનવર આવી ફરિયાદો આવતી રહે છે. અધિકારીઓ-રાજકારણીઓ પણ તેના શિકાર બની ગયા છે. સાયબર સેલ દ્વારા 1600 જેટલા નંબર તથા સોશ્યલ મીડિયા એકાઉન્ટ બંધ કર્યા હોવાથી રેકેટ અટકતું નથી. તેમજ તેમાં લોકોને એવો ડર બતાવવામાં આવે છેકે તેમનો વીડિયો વાયરલ કરવામાં આવશે અને પુરુષને એવી ધમકી આપવામાં આવે છે કે તમારી પત્નીને મોકલવામાં આવશે. જેના કારણે લોકો પૈસા આપી દેવાનું વિચાર કરે છે. તેમ છતાં પણ સેક્સટોર્શન કરનારનું પેટ ભરાતું નથી.
ગેંગ કેવી રીતે કરે છે કામ ?
સાયબર સેલના અધિકારીઓએ કહ્યું કે, મોટાભાગે મધ્યપ્રદેશ, ચંદીગઢ, હરિયાણા તથા રાજસ્થાનથી કાર્યરત આ ગેંગ પ્રથમ કોઇપણ વ્યક્તિને સોશ્યલ મીડિયામાં ‘ફ્રેન્ડ રિકવેસ્ટ’ મોકલે છે તેમાં સ્ટેટસમાં ખુબસુરત યુવતિનો ફોટો હોય છે. ત્યારબાદ ફોન નંબર મેળવ્યા બાદ નિયમિત વાતચીત શરુ કરે છે. શિકાર સપડાયાનું માલુમ પડતા વીડિયો કોલમાં નગ્ન થવાનું કહે છે. કેટલાંક કિસ્સામાં સામા છેડે છોકરી પણ નગ્ન થાય છે. આ રેકોર્ડ કરીને પછી બ્લેકમેઇલ શરુ કરાય છે. જેના સેક્સટોર્શન રેકેટની ગેમ શરૂ થાય છે. આપણે સૌએ આ મામલે ચોકસાઈ રાખી કોઈ પણ બિન જરૂરી અને અજાણ્યા વ્યક્તિનો વીડિયો કોલ આવે તો ઉપડવો ન જ જોઇએ.