ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી: ૭૮ મા સ્વતંત્રતા પર્વે દેશભક્તિના રંગમાં સુશોભિત મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

Text To Speech

અરવલ્લી 15 ઓગસ્ટ 2024 : ભારતભરમાં ૭૮ મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર પણ આ રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણીમાં સક્રિય રહ્યું છે. મોડાસામાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં પણ ગાયત્રી સાધકો જોડાયા હતા. આજના સ્વતંત્રતા દિવસ પર ગાયત્રી ચેતના કેન્દ્રમાં ગાયત્રી માતા સહિત તમામ દેવમૂર્તિઓ રાષ્ટ્રીય રંગના આભૂષણોથી સુશોભિત કરાઈ. સમગ્ર સંકુલ દેશભક્તિના રંગમાં રંગાયું. ગાયત્રી પરિવાર દ્વારા સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ દ્વારા જન જનમાં વ્યક્તિ નિર્માણ , વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવનાની જાગૃતિનો ઉદ્દેશ રહ્યો છે.

ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પણ દેશની આઝાદી માટે આગ્રા ક્ષેત્રમાં સક્રિય સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભૂમિકા ભજવી હતી. પોતાના જીવને જોખમમાં મૂકી અડગ મનથી દેશની આઝાદી માટે જેલવાસ સહિત અનેક યાદગાર પ્રસંગો તેઓના જીવનમાં રહ્યા છે. આ અડગ દેશપ્રેમી સ્વાતંત્ર્ય સેનાનીની યાદમાં મોડાસા નગરપાલિકાએ બસસ્ટેશનથી હાલની નગરપાલિકા થઈ આઈ.ટી.આઈ. માલપુર રોડ સુધીના માર્ગને પંડિત શ્રીરામ શર્મા આચાર્ય “શ્રીરામ મત્ત માર્ગ” નામકરણ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત જાણકારી આપતા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ વિશેષમાં જણાવ્યું કે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા સહિત ક્ષેત્રના તમામ ગામોમાં ઘર ઘર તિરંગા , હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવા તેમજ સૌ ગાયત્રી સાધકોને રાષ્ટ્રની સુરક્ષા, સમૃદ્ધિ, પ્રગતિ હેતુ વિશેષ જાપ સાધના તેમજ પોતપોતાના ઘેર યજ્ઞ કરી વિશેષ આહુતિઓ અર્પણ કરવા આહવાન કરવામાં આવ્યું.

આ પણ વાંચો : બનાસકાંઠા : વિધાનસભાના અધ્યક્ષના વરદ હસ્તે ડીસા ખાતે કરાઈ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી

Back to top button