હિમાચલના જીયુમાં પહોંચ્યું પ્રથમ વખત મોબાઈલ નેટવર્ક, PM મોદીએ ગ્રામજનો સાથે કરી વાત
મનાલી, 18 એપ્રિલ : હિમાચલ પ્રદેશના સ્પીતિ ક્ષેત્રમાં સમુદ્ર સપાટીથી 14,931 ફૂટની ઉંચાઈએ મોબાઈલ નેટવર્ક આજે પ્રથમ વખત પહોંચ્યું હતું. નેટવર્ક સુલભ બન્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીયુના ગ્રામજનો સાથે વાત કરી. PMની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન જીયુમાં મોબાઈલ નેટવર્કના આગમન પહેલા ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ વિશે પૂછી રહ્યા છે. જવાબમાં એક વ્યક્તિએ કહ્યું કે ફોન પર નેટવર્ક આવે તે પહેલા ગામલોકોએ આઠ કિલોમીટર દૂર જવું પડતું હતું. નેટવર્ક મળ્યા બાદ પીએમ મોદીએ જીયુના રહેવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
PM મોદીએ ગ્રામજનોને કર્યા સવાલ
ગ્રામજનો સાથેની વાતચીત દરમિયાન પીએમે પૂછ્યું કે જો તમારે લોકોએ વાત કરવી હતી તો તમે કેવી રીતે કરી? જવાબમાં એક વ્યક્તિએ કહ્યું કે અમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પીએમ મોદીએ આના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું કે ત્યાં તાપમાન શું છે? વ્યક્તિએ કહ્યું કે તે રાત્રે માઈનસ 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે. તે દિવસ દરમિયાન વધુ બને છે. પીએમ મોદીએ પૂછ્યું કે હવે મોબાઈલ ફોન આવી ગયા છે, પરંતુ પહેલા તમે લોકો કનેક્ટિવિટી વિના કેવી રીતે મેનેજ કરતા હતા? તેના પર ગ્રામજનોએ કહ્યું કે, અહીં ખૂબ વરસાદ પડે છે. પૂરની સમસ્યા પણ છે. જેના કારણે મોટી માત્રામાં માટી અને પથ્થરો અંદર આવે છે.
ભારત-ચીન બોર્ડરથી થોડે દૂરના ગામે પહોંચ્યું નેટવર્ક
ટેલિકોમ કનેક્ટિવિટી હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં ભારતના પ્રથમ ગામો કૌરિક અને ગિઉમાં દરિયાઈ સપાટીથી 14,931 ફૂટની ઊંચાઈએ પહોંચી ગઈ છે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. ગિઉ એ હિમાચલ પ્રદેશમાં સ્પીતિ ખીણના તાબો ગામની અંદર આવેલું એક ગામ છે, જે તાબો મઠથી લગભગ 40 કિમી દૂર છે. આ ગામ ભારત-ચીન બોર્ડરથી થોડે દૂર છે.