અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

મનરેગાઃ આ જિલ્લામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ, વિજિલન્સ તપાસની અમિત ચાવડાની માંગ

ગાંધીનગર, 20 જાન્યુઆરી, 2025: રાજ્યના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ આક્ષેપ કર્યો છે. આ કેસની વિજિલન્સ તપાસ થવી જોઈએ તેવી માગણી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ કરી છે.

રાજ્યના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે મીડિયાને સંબોધતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું કે, રાજ્યના મંત્રીના પોતાના વિસ્તારના, દેવગઢ બારિયાના સ્થાનિક લોકો ભ્રષ્ટાચાર સામે રજૂઆત કરવા પહોંચ્યા છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ‘બધાએ એફિડેવિટ કરી, સોગંધનામા સાથે પોતાની રજુઆત કરી છે કે મનરેગા યોજનામાં દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે. આ મામલે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે.

આ મામલે એવો આક્ષેપ છે કે, દાહોદ જીલ્લાના દેવગઢ બારિયાના કુવા ગામે એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજીત લંબાઈ ૧૭ કી.મી. છે. એ જ રીતે બીજા રેઢાણા ગામમાં 33 રસ્તા મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજીત લંબાઈ 13 કી.મી. છે. આ બધાં જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપ મુજબ એફિડેવિટમાં રજુ કર્યા મુજબ લગભગ 47 લાખનાં કામો છે. જેમાં કામ મંજૂર કરવામાં તો આવે છે પરંતુ વાસ્તવમાં સ્થળ ઉપર એક પણ રૂપિયાનું કામ થતું નથી. બારોબર બિલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચાર અટકતો નથી. ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈપણ કડક કાર્યવાહી થતી નથી કારણ કે ત્યાં સ્થાનિક મંત્રીના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે તેમ કોંગ્રેસના અગ્રણીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ચેક ડેમનાં કામો, માટી મેટલ, રસ્તાનાં કામો, તળાવ ઊંડા કરવાનાં કામો, નહેરોની સુધારણાનાં કામો, હેન્ડપંપ અને બોરનાં કામો – એમ આ બધાં કામોમાં ત્રણ એજન્સીઓ મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ લે છે. એમાં 1. રાજ ટ્રેડર્સ, 2. રાજ કન્સ્ટ્રકશન, 3. એન. જે. એન્ટરપ્રાઈઝ, આ ત્રણેય એજન્સીઓના વહીવટકર્તાઓ અને માલિક છે. જેની તપાસ કરીએ તો મંત્રીના અંગત, નજીકના, પરિવારના લોકો છે.

સ્થાનિક લોકોએ એફિડેવિટ દ્વારા કહ્યું છે કે આ ત્રણ એજન્સીઓના નામે બિલ બને છે, આ ત્રણ એજન્સી સ્થળ ઉપર એકપણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારોબાર પૈસા ઉપાડી લે છે. જ્યારે એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે, આખી સરકાર તેમાં સામેલ હોવાને કારણે કોઈપણ જાતના પગલાં લેવાતા નથી.

તપાસ કરાવો નહીં તો અમે તપાસ કરીશુંઃ કોંગ્રેસ

કોંગ્રેસે સરકાર પાસે માંગણી કરી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે. આખા દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે. તે અંગે વારંવાર પુરાવાઓ સાથે રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી થઇ નથી. તે તમામ કામોની, એસ.આઈ.ટી. બનાવીને વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. સાથે અમિત ચાવડાએ ઉમેર્યું કે, જો સરકાર આ અંગે કોઈ પગલાં નહીં લે તો કોંગ્રેસ તેની સામાજિક જવાબદારી નિભાવીને સ્વૈચ્છિક સંગઠનોને સાથે રાખીને આ સમગ્ર કેસની તપાસ કરશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં યોજાશે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોઃ સાંસ્કૃતિક, ધાર્મિક-સર્જનાત્મક થીમ્સનો સંગમ જોવા મળશે

આ પણ વાંચોઃ ‘તાવમાં પીધું ગૌમૂત્ર, સાજો થઈ ગયો’, IIT મદ્રાસના ડિરેક્ટરના દાવાએ જગાવી ચકચાર, VIDEO વાયરલ

આ પણ વાંચોઃ અમદાવાદથી સુરત માટે સુપરફાસ્ટ સહિત 10 નવી ટ્રેન શરૂ કરાઈ, રિઝર્વેશન વગર કરી શકાશે મુસાફરી

મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button