અમદાવાદ, 28 જૂન 2024, ગુજરાતમાં આગામી તારીખ 4 અને 5 જુલાઇના રોજ બોટાદના સાળંગપુર ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બેઠક અગાઉ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડીમંડળ સાથે મુલાકાત કરી હોવાની સૂચક તસવીરો બહાર આવી છે. હાલ આ તસવીરો બહાર આવતા ચર્ચા શરૂ થઈ છે. સુરતની અડાજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી છે. આ બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 4 અને 5 જુલાઇના રોજ યોજાનાર પ્રદેશ કારોબારી બેઠક અગાઉ યોજાયેલ આ મુલાકાત સૂચક માનવામાં આવે છે.
ભારતના લોકપ્રિય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભાજપના લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ,ભારતના આરોગ્ય વિભાગના મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા આદરણીય શ્રી જે. પી .નડ્ડા જીની સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી… pic.twitter.com/Fntn018mwQ
— Purnesh Modi (@purneshmodi) June 28, 2024
આ બેઠક ગુજરાતના રાજકારણ માટે અત્યંત સૂચક મનાઈ રહી છે
આ મુલાકાત સૂચક એટલે માનવામાં આવે છે કેમ કે ચર્ચા એવી ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશ કારોબારીની વિસ્તૃત બેઠકમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી શકે છે અથવા તો કાર્યકારી પ્રદેશ પ્રમુખ માટે પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. પૂર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડી મંડળ સાથે યોજાયેલી આ બેઠક ગુજરાતના રાજકારણ માટે અત્યંત સૂચક માનવામાં આવી રહી છે. ભાજપમાં સક્રિય રહેલા પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.તેઓ સુરત શહેર ભાજપના પ્રમુખ પણ બન્યા હતા.
આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણવામાં આવી
દીવ-દમણ અને દાદરાનગર હવેલીના રાજકીય સૂત્રો કહી રહ્યા છે કે આગામી 1 જુલાઈના રોજ દીવ-દમણ ખાતે પ્રદેશ કારોબારી બેઠક યોજાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ હાજર રહે એવી સંભાવના છે ત્યારે આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણવામાં આવી રહી છે. પૂર્ણેશ મોદી સંગઠનના માહેર વ્યક્તિ હોવાની ગણના થાય છે, રાષ્ટ્રીય સંગઠનમાં પણ આગામી સમયમાં મોટા ફેરફાર આવવાના છે ત્યારે પુર્ણેશ મોદીને રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જગ્યા પર કામગીરી સોંપવામાં આવે તેવુ પણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃસાળંગપુરમાં ભાજપની પ્રદેશ કારોબારી વખતે કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થવાની સંભાવના