કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ ગાયબ કુંભાણી પ્રગટ થયા, કહ્યું અહીંના નેતાઓએ સાથ ન આપ્યો
સુરત, 26 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જંગ જામ્યો છે.સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ મોટો રાજકીય ડ્રામા થયો હતો. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી.ત્યાર બાદ 20 એપ્રિલના સવારના 10 વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો. 21મીએ સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું. ત્યાર બાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરિફ જાહેર કર્યા હતા. તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા. પરંતુ 6 દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા છે અને એક વીડિયો દ્વારા તેમણે મેસેજ આપ્યો. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ
કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો
એક વીડિયો જાહેર કરીને તેમણે કહ્યું હતું કે, હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને અહીંના નેતાઓ રથમાં પણ બેસવા તૈયાર નહોતા અને મારી સાથે જોડાતા નહોતા.
ડોર ટુ ડોર પ્રચારમાં એકપણ આગેવાન આવ્યા નહોતા
કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે, 20 તારીખ પહેલા બૂથ પર કોણ સાથે બેસવાનું છે. તેના નામ અને નંબર મોકલો, ત્યારે અહીં જે હોદ્દેદારો હતા તેને કહેતા હતા કે આપણે બૂથની વિગતો આપવાની છે, ત્યારે એકપણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા અને કાર્યકરોને પણ ના પાડતા હતા કે બૂથ આપતા નહીં. તેમજ પબ્લિક પણ જાણે છે કે, જે હાલ વિરોધ કરી રહ્યા છે એ ભાજપ સાથે બેસી ગયા હતા. તેમજ અમારી સભા કે ડોર ટુ ડોરમાં એકપણ આગેવાન આવ્યા નહોતા અને અગાઉ પણ એ ફૂટી ગયા હતા. મને એકલો મૂકી દીધો હતો અને હું એકલો પ્રચાર કરતો હતો. 2017માં પણ ભાજપની ઓફર હતી અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો આમ છતાં મેં કોંગ્રેસ વિરુદ્ધ એકપણ નિવેદન આપ્યું નહોતું.
આ પણ વાંચોઃસુરત બાદ પંચમહાલમાં ખેલ પડ્યોઃ કોંગ્રેસના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે