રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરી ઉગ્ર બન્યું છે. યુક્રેને રશિયા પર જોરશોરથી હુમલો કર્યો હતો, ત્યાં હવે રશિયા પણ રોષે ભરાયું છે. ગુસ્સે ભરાયેલા રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જયારે 89 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે.
મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડી
રશિયન સૈનિકોએ યુક્રેનના દક્ષિણ-પૂર્વીય શહેર ઝાપોરિઝ્ઝ્યા પર મિસાઇલો છોડી હતી. આ હુમલો એપાર્ટમેન્ટ અને રહેણાંક વિસ્તાર પર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા યુક્રેનિયન શહેરો રશિયન હુમલાઓ દ્વારા ખંડેર બની ગયા છે. રશિયન સૈનિકોએ ગઈકાલે યુક્રેનના દક્ષિણ-પૂર્વ શહેર ઝાપોરિઝહ્યા પર મિસાઈલ હુમલો કર્યો હતો.
રશિયન વિમાને 12 મિસાઇલો છોડી
છેલ્લા ત્રણ દિવસમાં ઝાપોરિઝ્ઝ્યા પર આ પ્રકારનો બીજો હુમલો છે.માહિતી અનુસાર રશિયન વિમાને ઓછામાં ઓછી 12 મિસાઇલો છોડી હતી. આ દરમિયાન 9 માળના એપાર્ટમેન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સાથે 5 રહેણાંક ઈમારતોને પણ નિશાન બનાવવામાં આવી હતી.